PCB એ અપમાન કર્યું તો વધુ એક કોચે રાજીનામું આપ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન ક્રિકેટ ટીમના મુખ્ય કોચ પદેથી ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ઝડપી બોલર જેસન ગિલેસ્પીએ રાજીનામું આપી દીધું છે. કેટલાક દિવસોની અનિશ્ચિતતા બાદ આખરે તેની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવી છે. ગિલેસ્પીએ પાકિસ્તાન ટીમ સાથે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે જનારી ફ્લાઈટ પકડી ન હતી. એડિલેડથી ગિલેસ્પીની ફ્લાઈટ સવારે ૬ વાગ્યે હતી, પરંતુ તેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને જાણ કરી હતી કે, મારો દક્ષિણ આફ્રિકા જવાનો કોઈ ઈરાદો નથી. આ સાથે તેણે પદ પરથી રાજીનામું આપવાની વાત પર કહી હતી.
જેસન ગિલેસ્પીના રાજીનામ બાદ પાકિસ્તાનના ભૂતપૂર્વ ઝડપી બોલર આકિબ જાવેદને ટીમનો નવો વચગાળાનો કોચ બનાવવામાં આવ્યો છે. તે હવે આ જવાબદારી સંભાળશે અને થોડા દિવસો પછી PCB નવા મુખ્ય કોચની જાહેરાત કરશે. ગિલેસ્પીને રેડ બોલ ફોર્મેટમાં કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો હતો. પરંતુ વ્હાઈટ બોલના કોચ ગેરી કર્સ્ટનના રાજીનામા બાદ ગિલેસ્પીને તમામ ફોર્મેટની જવાબદારી સોંપવામાં આવી હતી. તેમના કોચિંગ હેઠળ પાકિસ્તાને ઓસ્ટ્રેલિયાને ઘરઆંગણે વનડે સીરિઝમાં હરાવ્યું હતું.
ઘણાં સમયથી PCB અને ગિલેસ્પી વચ્ચે બધું યોગ્ય ચાલી રહ્યું ન હતું. બોર્ડે તાજેતરમાં ટીમના બોલિંગ કોચ ટિમ નીલ્સનનો કરાર લંબાવ્યો ન હતો. આ વાતથી ગિલેસ્પી નારાજ થઇ ગયો હતો. તે એ વાત પર ગુસ્સે હતો કે, બોર્ડે તેને આ વિશે કંઈ પૂછ્યું ન હતું. ગિલેસ્પીને લાગ્યું કે આ તેનું અપમાન છે. એક અહેવાલ અનુસાર, PCB એ થોડા દિવસોથી તેની સાથે કોઈ પણ પ્રકારનો સંપર્ક કર્યો ન હતો. ગિલેસ્પીના ગયા બાદ આકિબ હવે તમામ ફોર્મેટમાં ટીમનો વચગાળાનો કોચ રહેશે. PCB એ પહેલાથી જ મન બનાવી લીધું હતું કે બોર્ડ વિદેશી કોચ રાખવાને બદલે પાકિસ્તાનના ભૂતપૂર્વ ખેલાડીઓને તક આપશે.
પાકિસ્તાન દક્ષિણ આફ્રિકાના પ્રવાસ દરમિયાન બે મેચની ટેસ્ટ સીરીઝ રમશે. ૨૬ ડિસેમ્બરથી સેન્ચુરિયનમાં પહેલી ટેસ્ટ મેચ અને બીજી ટેસ્ટ ૩ જાન્યુઆરીથી કેપટાઉનમાં રમાશે. પાકિસ્તાની ટીમને તાજેતરમાં ઘણી વખત શરમજનક સ્થિતિમાં મુકાવવું પડ્યું હતું.
ટીમમાં વિભાજન થવાના સમાચારે વાતાવરણ ઘણું બગાડી દીધું છે. એવું માનવામાં આવતું હતું કે ટીમમાં શાહીન શાહ આફ્રિદી અને બાબર આઝમના બે જૂથ બની ગયા છે. જે ટીમ માટે મુશ્કેલી સર્જી રહ્યા હતા. આ બંનેને ઈંગ્લેન્ડ સામેની તાજેતરની ઘરઆંગણે રમાયેલી સીરિઝની પહેલી મેચ બાદ ટીમમાંથી બહાર રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ ટીમે બંને ટેસ્ટ મેચ જીતી હતી.