Last Updated on by Sampurna Samachar
નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ કરાયો
દંડિત ખેલાડીઓમાં ઓલરાઉન્ડર આમિર જમાલનો પણ સમાવેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન ક્રિકેટમાં હાલ હાહાકાર મચી ગયો છે. તેનું મુખ્ય કારણ ટીમનું સતત શરમજનક પ્રદર્શન છે. પરંતુ આ દરમિયાન ક્રિકેટ સિવાયના એક સમાચાર આવી રહ્યા છે. પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન અને પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનને સમર્થન આપવા બદલ એક પાકિસ્તાની ક્રિકેટરને મોટો દંડ ફટકારવામાં આવ્યો છે.
હકીકતમાં પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (PCB) એ તેના ૮ ખેલાડીઓને આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ દોષી ઠેરવ્યા છે અને તેમને દંડ ફટકાર્યો છે. તેમાં ઓલરાઉન્ડર આમિર જમાલનો પણ સમાવેશ થાય છે, જેના પર ૧.૩ મિલિયન પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ભારતીય રૂપિયામાં આ રકમ અંદાજે ૪ લાખ રૂપિયા છે. જમાલને દંડ ફટકારવાનું કારણ તેની પહેરેલી કેપ નંબર ૮૦૪ છે.
આચારસંહિતા ભંગનો દોષી સાબિત થયો
પાકિસ્તાની (PAKISTHAN) મીડિયા રિપોર્ટ અનુસાર જમાલની ટોપી પર લખાયેલ નંબર ૮૦૪ ઈમરાન ખાનની જેલની ઓળખ સાથે સંબંધિત છે. તેમજ તેને ઈમરાન ખાન સાથે એકતાનું પ્રતિક માનવામાં આવી રહ્યું છે. ૨૦૨૩થી અટકાયતમાં રહેલા ઈમરાનને જાન્યુઆરી ૨૦૨૫ માં ૧૪ વર્ષની નવી સજા થઈ હતી. તે હાલમાં ભ્રષ્ટાચારના અનેક આરોપોમાં રાવલપિંડી જેલમાં બંધ છે.
ઈમરાન જે જેલમાં બંધ છે, તેનો બેજ નંબર પણ ૮૦૪ છે. ૨૮ વર્ષીય જમાલે મુલ્તાનમાં ઈંગ્લેન્ડ સામેની પ્રથમ ટેસ્ટમાં મેદાન પર ઈન્ટરવ્યુ દરમિયાન આ કેપ પહેરી હતી. જેના કારણે તે આચારસંહિતા ભંગનો દોષી સાબિત થયો છે.
આમિર ઉપરાંત અન્ય ત્રણ ખેલાડીઓને પણ ૫,૦૦,૦૦૦ પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ત્રણેય પર નવેમ્બર ૨૦૨૪માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ટીમ હોટલ મોડી પહોંચવાનો આરોપ છે.
પાકિસ્તાને તેના નવા T૨૦ કેપ્ટન સલમાન આગા, સૈમ અયુબ, અબ્દુલ્લા શફીક અને અબ્બાસ આફ્રિદીને વર્ષની શરૂઆતમાં દક્ષિણ આફ્રિકા પ્રવાસ દરમિયાન કર્ફ્યુના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ દંડ પણ ફટકાર્યો છે.