Last Updated on by Sampurna Samachar
તે ફક્ત તિજોરી ખાલી હોવાનો કરી રહ્યા છે ઢોંગ
ભારતે શસ્ત્રો બનાવવાની ક્ષમતામાં વધારો કર્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાને પોતાની ખાલી તિજોરીનો શોક વ્યક્ત કરતાં, શસ્ત્રો ખરીદવામાં એટલા બધા પૈસા ખર્ચ્યા કે તે શસ્ત્રો ખરીદનારો વિશ્વનો ૫ મો સૌથી મોટો દેશ બની ગયો છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) ના રિપોર્ટ અનુસાર, યૂક્રેન આ યાદીમાં પ્રથમ ક્રમે છે, જે રશિયા સાથે યુદ્ધમાં છે. તે પછી ભારત બીજા સ્થાને, કતાર ત્રીજા સ્થાને, સાઉદી અરેબિયા ચોથા સ્થાને અને પાકિસ્તાન પાંચમા સ્થાને છે. SIPRI ના આ અહેવાલે પાકિસ્તાનનો પર્દાફાશ કર્યો છે, જે પહેલા પોતાની તિજોરી ખાલી હોવાનો રડતો હતો. તેનાથી ભારતનો તણાવ પણ વધ્યો છે.
મળતા રિપોર્ટ અનુસાર, ૨૦૧૫-૨૦૧૯ અને ૨૦૨૦-૨૦૨૪ વચ્ચે ભારતીય શસ્ત્રોની આયાતમાં ૯.૩ ટકાનો ઘટાડો થયો છે. આ પાછળનું એક કારણ એ છે કે ભારતે શસ્ત્રો બનાવવાની ક્ષમતામાં વધારો કર્યો છે. એ પણ પ્રકાશમાં આવ્યું છે કે ભારતની રશિયા પરની ર્નિભરતા ઘટી રહી છે અને હવે તે અમેરિકા, ફ્રાન્સ અને ઇઝરાયલ જેવા દેશો પાસેથી શસ્ત્રો ખરીદી રહ્યું છે.
પાકિસ્તાનની શસ્ત્ર ખરીદીથી ભારતનો તણાવ વધ્યો
વિશ્વના ટોચના ૫ શસ્ત્રો ખરીદનારા દેશોની વાત કરીએ તો, તે યૂક્રેન, ભારત, કતાર, સાઉદી અરેબિયા અને પાકિસ્તાન છે. વૈશ્વિક શસ્ત્ર ખરીદીમાં આ પાંચ દેશોનો હિસ્સો ૩૫ ટકા છે. રશિયા-યુદ્ધ પછી, યૂક્રેન વિશ્વનો સૌથી મોટો શસ્ત્ર આયાતકાર દેશ બન્યો છે, જેનો વૈશ્વિક આયાતમાં હિસ્સો ૮.૮ ટકા છે. જો આપણે ચીનની વાત કરીએ તો, ૧૯૯૦-૧૯૯૪ પછી આ પહેલી વાર છે. જ્યારે તે ટોપ-૧૦ ની યાદીમાંથી બહાર થયું છે.
પાકિસ્તાનની શસ્ત્ર ખરીદીથી ભારતનો તણાવ વધ્યો છે. કારણ કે પડોશી દેશ ચીન પાસેથી સતત શસ્ત્રો ખરીદી રહ્યો છે. ચીને પાકિસ્તાનને J – 10 C ફાઇટર જેટ આપ્યું છે, જેની સરખામણી ઘણીવાર ભારતના રાફેલ સાથે કરવામાં આવે છે. આ ઉપરાંત, પાકિસ્તાન હવે ૪૦ ચીની J -૩૫ A સ્ટીલ્થ ફાઇટર જેટ પણ ખરીદવા જઈ રહ્યું છે, જે ૫મી પેઢીનું ફાઇટર એરક્રાફ્ટ છે. જો ભારત રશિયા કે અમેરિકા પાસેથી ૫મી પેઢીના ફાઇટર જેટ નહીં ખરીદે, તો આ ક્ષમતાનું ફાઇટર જેટ બનાવવામાં બીજા ૧૦ વર્ષ લાગશે.