Last Updated on by Sampurna Samachar
વિસ્ફોટોથી આ વિસ્તાર કાળા ધુમાડાથી છવાઈ ગયો
ડ્રોન અને ફાઇટર જેટથી ફેંક્યા બોમ્બ
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચે તણાવ હવે યુદ્ધમાં ફેરવાઈ ગયો છે. આજે બુધવારે, પાકિસ્તાને અફઘાનિસ્તાનના સ્પિન બોલ્ડક શહેરમાં હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલા ચમન બોર્ડર ક્રોસિંગ નજીક થયા હતા, જેમાં ત્રણ અફઘાન-તાલિબાન ચોકીઓને નિશાન બનાવવામાં આવી હતી.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, રહેવાસીઓએ ડ્રોન અને ફાઇટર જેટ દ્વારા બોમ્બ ફેંકાતા જોયા હતા. અફઘાન સરહદ પોલીસે જણાવ્યું છે કે, વિસ્ફોટોથી આ વિસ્તાર કાળા ધુમાડાથી છવાઈ ગયો હતો અને અનેક ઘરોની બારીઓ તૂટી ગઈ હતી.
૫૮ પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો
સ્પિન બોલ્ડકમાં થયેલા હુમલા બાદ, સોશિયલ મીડિયા પર એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં વિસ્તારમાંથી ગાઢ ધુમાડો નીકળતો જોવા મળ્યો હતો. આનાથી બંને દેશો વચ્ચેની સરહદ પર સંઘર્ષ વધ્યો હતો. બંને બાજુ કુલ ૨૧ લોકો માર્યા ગયા છે. રોઇટર્સે અનુસાર, ૬ પાકિસ્તાની અર્ધલશ્કરી સૈનિકો માર્યા ગયા છે, જ્યારે અહેવાલ અનુસાર, ૧૫ અફઘાન નાગરિકો માર્યા ગયા છે અને ડઝનેક ઘાયલ થયા છે.
બંને દેશો વચ્ચે સેંકડો ટ્રક અને મુસાફરો ફસાયેલા
પાકિસ્તાન અને અફઘાનિસ્તાન વચ્ચેનો આ તાજેતરનો હુમલો ૧૧ ઓક્ટોબરથી બંને દેશોની સરહદ પર ચાલી રહેલી અથડામણો વચ્ચે થયો છે. અફઘાન દળોએ તે દિવસે અનેક પાકિસ્તાની ચોકીઓ પર હુમલો કર્યો હતો. અફઘાન અધિકારીઓએ ૫૮ પાકિસ્તાની સૈનિકોને માર્યા હોવાનો દાવો કર્યો હતો.
જ્યારે પાકિસ્તાને કહ્યું હતું કે, તેણે ૨૩ સૈનિકો ગુમાવ્યા હતા અને ૨૦૦ થી વધુ “તાલિબાન સૈનિકો અને આતંકવાદીઓ” માર્યા હતા. અફઘાન-પાકિસ્તાન સંઘર્ષને કારણે સરહદ પર તણાવ વધી ગયો છે. અફઘાન પોલીસ પ્રવક્તા અબ્દુલ્લા ઉકાબે જણાવ્યું હતું કે, પાકિસ્તાન સાથેની તમામ સરહદી ચોકીઓ બંધ કરી દેવામાં આવી છે.
ચમન સરહદ પાર કરનારા લગભગ ૧,૫૦૦ અફઘાન નાગરિકોને પગપાળા ઘરે પાછા ફરવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ વેપાર અને ટ્રાફિક ખોરવાયો છે. બંને દેશો વચ્ચે સેંકડો ટ્રક અને મુસાફરો ફસાયેલા છે.
પાકિસ્તાની સરકારી મીડિયા અનુસાર, અફઘાન સેના અને પાકિસ્તાની તાલિબાને સંયુક્ત રીતે “કોઈ ઉશ્કેરણી વિના” પાકિસ્તાની ચોકી પર ગોળીબાર કર્યો હતો, જેના કારણે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના કુર્રમ જિલ્લામાં પાકિસ્તાની સૈનિકોએ કડક પ્રતિક્રિયા આપી હતી. સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું હતું કે પાકિસ્તાની સેનાએ પાકિસ્તાની તાલિબાનના એક મોટા તાલીમ કેન્દ્રનો પણ નાશ કર્યો હતો.