Last Updated on by Sampurna Samachar
તમામ મુસાફરોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા
ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાની આર્મીએ આખરે જંગ જીતી લીધી છે. આર્મીના પ્રવક્તા લેફ્ટિનન્ટ જનરલ અહમદ શરીફે જણાવ્યું કે આર્મીએ તમામ ૩૩ બલૂચ વિદ્રોહીઓને મારી નાખ્યા છે. હવે ત્યાં એક પણ બલૂચ વિદ્રોહી હાજર નથી. આર્મી સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. આમાં કેટલા લોકોના મોત થયા છે, તેની વિગત પછી જાહેર કરવામાં આવશે.
લેફ્ટિનન્ટ જનરલ અહમદ શરીફે જણાવ્યું કે અત્યાર સુધી મળેલી માહિતી મુજબ, આ ઘટનામાં ૨૧ મુસાફરો અને અર્ધસૈનિક દળોના ૪ જવાનોના મોત થયા છે. સશસ્ત્ર દળોએ તમામ આતંકવાદીઓને મારીને અને તમામ મુસાફરોને સુરક્ષિત છુટકારો અપાવીને ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું.
એક્સપ્રેસમાં લગભગ ૪૦૦ મુસાફરો સવાર હતા
તેમણે જણાવ્યું કે જ્યારે આતંકવાદીઓએ ટ્રેન પર હુમલો કર્યો ત્યારે તેમણે ૨૧ મુસાફરોની હત્યા કરી દીધી. તેમણે કહ્યું કે આ ઘટનામાં અર્ધસૈનિક દળ ફ્રન્ટિયર કોરના ચાર જવાનો પણ શહીદ થયા છે. દળોએ તમામ ૩૩ આતંકવાદીઓને મારી નાખ્યા અને બંદીઓને મુક્ત કરાવી લીધા.
નવ ડબ્બાવાળી જાફર એક્સપ્રેસમાં લગભગ ૪૦૦ મુસાફરો સવાર હતા અને આ ટ્રેન ક્વેટાથી પેશાવર જઈ રહી હતી. આ દરમિયાન આતંકવાદીઓએ ક્વેટાથી ૧૬૦ કિલોમીટર દૂર ગુડાલાર અને પીરુ કુરીના પર્વતીય વિસ્તારમાં એક સુરંગ પાસે વિસ્ફોટકનો ઉપયોગ કરીને ટ્રેનને પાટા પરથી ઉતારી દીધી અને તેને હાઈજેક કરી લીધી.
ઓપરેશનની વિગત આપતા લેફ્ટિનન્ટ જનરલ ચૌધરીએ કહ્યું કે જે વિસ્તારમાં આ ઘટના બની, ત્યાં પહોંચવું મુશ્કેલ હતું કારણ કે તે રસ્તા નેટવર્કથી ખૂબ દૂર હતું. આતંકવાદીઓએ મહિલાઓ અને બાળકો સહિત બંદીઓને માનવ ઢાલ તરીકે ઉપયોગ કર્યો. તેમને બચાવવા માટે આર્મી, વાયુસેના, ફ્રન્ટિયર કોર અને એસએસજીના જવાનોએ કાર્યવાહી કરી અને તમામ બંદીઓને મુક્ત કરાવ્યા હતા.
પાકિસ્તાની આર્મીએ કહ્યું કે આ આતંકવાદીઓ ઓપરેશન દરમિયાન સેટેલાઇટ ફોન દ્વારા અફઘાનિસ્તાનમાં તેમના સમર્થકો અને માસ્ટરમાઇન્ડ સાથે સંપર્કમાં હતા. બંદીઓને બચાવવાની પ્રક્રિયા ધીમે ધીમે ચાલી રહી હતી. સાંજે આતંકવાદીઓ પાસેથી લગભગ ૧૦૦ મુસાફરોને સુરક્ષિત બચાવ્યા અને આજે પણ મોટી સંખ્યામાં મુસાફરોને મુક્ત કરાવ્યા છે.