Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફના સલાહકારનુ નિવેદન
અફઘાનિસ્તાનમાંથી ભારત આ હુમલાઓ ઓપરેટ કરી રહ્યું છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાનમાં બલૂચ વિદ્રોહીઓ દ્વારા એક ટ્રેન હાઇજેક કરવાનો મામલો સામે આવ્યો હતો. જેમાં અંધાધૂધ ગોળીબારના કારણે ઘણા મુસાફર ઘવાયા હતા. આ ટ્રેનમાં ૫૦૦ થી વધુ પેસેન્જર સવાર હતા. આ આતંકી હુમલા મુદ્દે પાકિસ્તાન વડાપ્રધાન શાહબાઝ શરીફના સલાહકાર રાણા સનાઉલ્લાહે ભારતને જવાબદાર ઠેરવ્યો છે.
બલૂચ વિદ્રોહીઓએ સામાન્ય નાગરિકો, મહિલાઓ અને બાળકોને મુક્ત કરી દીધા હતા. પાકિસ્તાનની સેના, ગુપ્ત એજન્સીઓના અધિકારીઓ અને સરકારી કર્મચારીઓને પણ બંધક બનાવવામાં આવ્યા છે. બ્લૂચિસ્તાન લિબરેશન આર્મીએ આ હુમલાની જવાબદારી લીધી છે. બલૂચ વિદ્રોહીઓએ ૨૧૪ મુસાફરોને બંધક બનાવ્યા હોવાનો દાવો કર્યો છે.
પાકિસ્તાન કાર્યવાહી હાથ ધરશે
રાણા સનાઉલ્લાહે બલૂચિસ્તાન ટ્રેન હાઇજેક કાંડ માટે ભારત પર પાયાવિહોણા આરોપ લગાવ્યા છે. રાણાએ સ્થાનિક મીડિયા સાથે વાતચીત કરતાં દાવો કર્યો હતો કે, આ હુમલા પાછળ ભારતનું ષડયંત્ર છે. અફઘાનિસ્તાનમાંથી ભારત આ હુમલાઓ ઓપરેટ કરી રહ્યું છે. સ્થાનિક મીડિયાએ પૂછ્યું હતું કે, શું તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને બલૂચ વિદ્રોહીઓ વચ્ચે કોઈ સંબંધ છે? શું તે ટીટીપી બલૂચોને સમર્થન આપે છે? તેના જવાબમાં સનાઉલ્લાહે જણાવ્યું કે, આ બધું ભારત કરાવી રહ્યું છે. તેમાં કોઈ શંકા નથી. આ હુમલા બાદ બલૂચ વિદ્રોહીઓને અફઘાનિસ્તાનમાં સુરક્ષિત ઠેકાણું મળી શકે છે.
રાણાએ આગળ કહ્યું કે, અફઘાનિસ્તાનમાં બેસીને ભારત આ પ્રકારના ષડયંત્ર રચી રહ્યું છે. પાકિસ્તાનના દુશ્મન સક્રિય છે. આ રાજકીય મુદ્દો કે, એજન્ડા નથી. પરંતુ એક ષડયંત્ર છે. ભારત તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન અને બલૂચ લિબરેશન આર્મીને સમર્થન આપી રહ્યું છે.
તેમણે દાવો કર્યો છે કે, અફઘાનિસ્તાનમાં તેમની પાસે સુરક્ષિત સ્થળો છે. તાલિબાનના સત્તા પર આવવાથી તેમને કોઈ છૂટ મળી રહી નથી. પરંતુ તેઓ હવે ખુલ્લેઆમ ગતિવિધિઓ કરી રહ્યા છે. અફઘાન સરકાર તુરંત આ પ્રકારની ગતિવિધિઓ બંધ કરે, નહીં તો પાકિસ્તાન કાર્યવાહી હાથ ધરશે.