Last Updated on by Sampurna Samachar
મહા સંમેલનનો મુખ્ય હેતુ દીકરીઓને બચાવવાનો
દીકરીની લગ્નની વયમર્યાદા ૨૧ વર્ષ કરવાની રજૂઆત
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદના ગોતા વિસ્તારમાં સરદાર પટેલ ગ્રૂપ દ્વારા લગ્ન નોંધણીમાં સુધારા અને સભ્ય અભિયાનમાં જોડાવવા માટે એક મહા સંમેલનનું આયોજન કરાયું હતું. આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, આ મહા સંમેલનનો મુખ્ય હેતુ દીકરીઓને બચાવવાનો છે. જો સરકાર કાયદામાં વહેલી તકે સુધારો નહીં કરાય, તો આવનારા સમયમાં ગુજરાતના જિલ્લામાં આવેદન પત્ર આપવામાં આવશે.

આ સંમેલનમાં કરાયેલી માંગણીઓમાં મુખ્યત્વે દીકરીની લગ્ન માટેની વયમર્યાદા વધારીને ૨૧ વર્ષ કરવાની રજૂઆત કરાઈ છે. આ ઉપરાંત લગ્ન નોંધણી સમયે માતા-પિતાની લેખિત સંમતિ ફરજિયાત બનાવવી, નોંધણી પ્રક્રિયામાં માતા-પિતાના આધાર કાર્ડનો પુરાવા તરીકે સમાવેશ કરવો તેમજ સ્થાનિક કલેક્ટર કે મામલતદારની સહી ફરજિયાત લેવી- તે પ્રકારની માંગ કરાઈ છે. સામાજિક અગ્રણીઓએ મૈત્રી કરારની પ્રથાને સામાજિક દુષણ ગણાવી તેને સંપૂર્ણપણે રદ કરવાની અને ખોટા કે છેતરપિંડીથી થતા લગ્નોના કિસ્સામાં કડકમાં કડક સજાની જોગવાઈ કરવાની પણ માંગ કરી છે.
સંમેલનમાં મુખ્યત્વે બે માંગની ચર્ચામાં રહી
આ સંમેલનમાં મુખ્યત્વે બે માંગની ચર્ચા રહી હતી, જેમાં દીકરીઓની લગ્નની ઉંમર ૧૮ વર્ષથી વધારીને ૨૧ વર્ષ કરવાની તેમજ ભાગેડુ લગ્ન અટકાવવામાં આવે તે હતી. આ માંગને ૮૨થી વધુ ધારાસભ્યો, ૪૦૦થી વધુ પંચાયતો અને ૪૦૦થી વધુ જ્ઞાતિનું સમર્થન પ્રાપ્ત થયું છે. આમ છતાં, સરકાર માત્ર ‘લોલીપોપ‘ આપી રહી છે. આ સિવાય કેબિનેટ મીટિંગમાં ચર્ચા થઈ હોવા છતાં કોઈ નક્કર અમલ કરાતો નથી, તેવું સમાજના લોકો અનુભવી રહ્યા છે.
આ દરમિયાન અગ્રણીઓએ ચીમકી આપી હતી કે, આ આંદોલન હવે માત્ર પાટીદાર સમાજ પૂરતું મર્યાદિત નથી, પરંતુ તે સર્વજ્ઞાતિ આંદોલન બની ગયું છે. જો સરકાર કાયદામાં ફેરફાર નહીં કરે, તો આગામી સમયમાં અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં હજારોની મેદની સાથે ગાંધીનગરની કૂચ કરીને વિધાનસભાનો ઘેરાવો પણ કરવામાં આવશે.