Last Updated on by Sampurna Samachar
જામનગરના મજૂરને ૨,૨૪,૦૦૦માં પડ્યું ટેબલ
ઓનલાઈન શોપિંગના નામે છેતરપિંડીનો વધુ એક કિસ્સો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્યમાં ઓનલાઈન શોપિંગના નામે છેતરપિંડીનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. માત્ર ૬૨૯ રૂપિયાનું ટેબલ મંગાવવા જતાં જામનગરના યુવાને ૨.૨૪ લાખ રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો. OTP આપતાની સાથે જ ઠગ ટોળકીએ યુવાનનું બેંક એકાઉન્ટ સાફ કરી નાખ્યું હતું.

ડિજિટલ યુગમાં સાયબર ગુનેગારો હવે સામાન્ય શ્રમિકોને પણ નિશાન બનાવી રહ્યા છે. જામનગરના શંકર ટેકરી વિસ્તારમાં રહેતા અને કારખાનામાં મજૂરી કરી ગુજરાન ચલાવતા કિશન ગોંડલીયાએ સોશિયલ મીડિયા પરથી ‘મિસો‘ એપ્લિકેશન દ્વારા ૬૨૯નું પ્લાસ્ટિકનું ટેબલ ઓર્ડર કર્યું હતું. ઓર્ડર કેન્સલ થતાં, રિફંડ મેળવવાની આશામાં કિશને સામે પક્ષે સંપર્ક કર્યો, જે તેની મોટી ભૂલ સાબિત થઈ.
જામનગરના સિટી સી. ડિવિઝન પોલીસ મથકે ગુનો દાખલ
ઘટનાનો ક્રમમાં સૌ પ્રથમ ઓર્ડર કેન્સલ થયા બાદ કિશને સામેથી ફોન કર્યો. સામે રહેલા વ્યક્તિએ પોતાની ઓળખ ‘કૃણાલ કુમાર‘ તરીકે આપી. ફરી ઓર્ડર કરવાના બહાને યુવાન પાસે OTP મંગાવ્યો. OTP આપતા જ ઠગ ટોળકીએ બેંક ડેટા એક્સેસ કરી લીધો અને ખાતામાંથી કટકે-કટકે કુલ ૨,૨૪,૬૨૭ ઉપાડી લેવામાં આવ્યા. બાદમાં સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે
પોતાની જીવનભરની મૂડી પળવારમાં સાફ થઈ જતાં કિશન ગોંડલીયા ચોંકી ઉઠ્યો હતો. તેણે તાત્કાલિક જામનગરના સિટી સી. ડિવિઝન પોલીસ મથકમાં અજાણ્યા ઠગ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી ટેકનિકલ સર્વેલન્સની મદદથી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ ઘટના ફરી એકવાર લાલબત્તી સમાન છે કે, અજાણ્યા વ્યક્તિ સાથે ફોન પર ક્યારેય બેંક વિગતો કે OTP શેર ન કરવો. જો તમે પણ આવી છેતરપિંડીનો શિકાર બનો, તો તુરંત જ ૧૯૩૦ નંબર પર ડાયલ કરી સાયબર ક્રાઈમમાં જાણ કરો.