Last Updated on by Sampurna Samachar
રખડતા શ્વાન મામલે સુપ્રીમ કોર્ટની ઝાટકણી
કોર્ટે હેલ્પલાઇન નંબર જાહેર કરવાનો પણ આદેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુપ્રીમ કોર્ટે રખડતા કૂતરાઓના મુદ્દા પર ત્રણ આદેશો જાહેર કર્યા છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, રાજ્યો એમિકસ ક્યુરીના રિપોર્ટ પર કાર્ય કરે અને સોગંદનામું દાખલ કરે. બીજા આદેશમાં, કોર્ટે નિર્દેશ આપ્યો કે, રસ્તાઓ પર રખડતા પ્રાણીઓ અંગે રાજસ્થાન હાઇકોર્ટના આદેશનો દેશવ્યાપી અમલ કરવામાં આવે.

રખડતા પ્રાણીઓને હાઇવે અને રસ્તાઓ પરથી દૂર કરીને આશ્રયસ્થાનોમાં રાખવા જોઈએ. મ્યુનિસિપલ કોર્પોરેશનોએ પેટ્રોલિંગ ટીમો બનાવવી જોઈએ અને ૨૪ કલાક દેખરેખ રાખવી જોઈએ. આ સાથે, કોર્ટે હેલ્પલાઇન નંબર જાહેર કરવાનો પણ આદેશ આપ્યો છે.
વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરડાઈ રહી
ત્રીજા આદેશમાં, સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો હતો કે, રખડતા કૂતરાઓને શૈક્ષણિક સંસ્થાઓ, રમતગમત સંકુલ, હોસ્પિટલો, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનોમાં દીવાલ કરીને પ્રવેશતા અટકાવવામાં આવે અને અન્ય પગલાં લેવામાં આવે. રખડતા કૂતરાઓને ત્યાં રહેવા ન દો. તેમને રસી આપો, નસબંધી કરો અને તેમને આશ્રયસ્થાનોમાં રાખો. કોર્ટે આઠ અઠવાડિયામાં તેના આદેશનો અમલ કરવાનો આદેશ આપ્યો છે.
જણાવી દઈએ કે, ૧૧ ઓગસ્ટના રોજ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને આર. મહાદેવનની બેન્ચે કૂતરા કરડવાની ઘટનાઓ પર કડક વલણ અપનાવતા, દિલ્હી, નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદમાં બધા રખડતા કૂતરાઓને આશ્રયસ્થાનોમાં મર્યાદિત રાખવાનો આદેશ આપ્યો હતો. પ્રાણી પ્રેમીઓએ આનો વિરોધ કર્યો અને આ મામલો મુખ્ય ન્યાયાધીશ સમક્ષ લાવ્યો, ત્યારબાદ આ મામલો ત્રણ ન્યાયાધીશોની બેન્ચને મોકલવામાં આવ્યો હતો.
ત્રણ ન્યાયાધીશોની બેન્ચે, અગાઉના આદેશને ઉલટાવીને, દિલ્હી- NCR માં રખડતા કૂતરાઓને પકડવા, નસબંધી કરવા, રસીકરણ કરવા અને મુક્ત કરવાનો આદેશ આપ્યો હતો. વધુમાં, ૨૨ ઓગસ્ટના રોજ, કોર્ટે સુનાવણીનો વ્યાપ વધાર્યો, વિવિધ હાઇકોર્ટમાં પેન્ડિંગ કેસોને પોતાની તરફ ટ્રાન્સફર કર્યા, અને રાજ્યોને સોગંદનામું દાખલ કરવા કહ્યું હતું.
જોકે, બે મહિનામાં ફક્ત બે રાજ્યોએ સોગંદનામું દાખલ કર્યું હતું. ન્યાયાધીશોએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે, બે રાજ્યો સિવાય કોઈએ તેમની નોટિસના જવાબમાં સોગંદનામું દાખલ કર્યું નહીં. દિલ્હી સરકારનું સોગંદનામું પણ ફાઇલ કરવામાં આવ્યું ન હતું. ફક્ત દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન એ એક દાખલ કર્યું હતું. ૨૭ ઓક્ટોબરના રોજ સુનાવણી દરમિયાન, કોર્ટે નોંધ્યું હતું કે, દેશભરમાં કૂતરા સંબંધિત ઘટનાઓ સતત બની રહી છે. વૈશ્વિક સ્તરે ભારતની છબી ખરડાઈ રહી છે.
આવી સ્થિતિમાં, રાજ્ય સરકારોનું બેદરકાર વલણ ખોટું છે. રાજ્યો દ્વારા જવાબ દાખલ કરવામાં નિષ્ફળતા પર નારાજગી વ્યક્ત કરતા કોર્ટે પૂછ્ કેયું, “શું રાજ્યના અધિકારીઓ અખબારો વાંચતા નથી કે, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતા નથી?” જો આદેશની નકલ તેમના ડેસ્ક સુધી પહોંચી ન હોય, તો પણ તેઓ આ મહત્વપૂર્ણ બાબતથી વાકેફ હશે.