Last Updated on by Sampurna Samachar
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે થયો સમજૂતી કરાર
ન્યૂઝીલેન્ડના વિદેશ મંત્રીએ નારાજગી વ્યક્ત કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે તાજેતરમાં થયેલા ઐતિહાસિક મુક્ત વ્યાપાર કરારથી વેપાર ક્ષેત્રે નવી આશાઓ જાગી છે. પરંતુ ન્યૂઝીલેન્ડમાં આ જ ડીલ રાજકીય વિવાદનું કેન્દ્ર બની છે. ન્યૂઝીલેન્ડના વિદેશ મંત્રી અને સત્તાધારી ગઠબંધનના પ્રમુખ નેતા વિંસ્ટન પીટર્સે પોતાની જ સરકારના આ સોદાનો આકરો વિરોધ કરતા તેને ‘ન તો ફ્રી અને ન તો ફેર‘ ગણાવ્યો છે.

અહેવાલો મુજબ આ સમજૂતી ન્યૂઝીલેન્ડ માટે એક ‘ખરાબ સોદો‘ છે, જે ડેરી જેવા મહત્ત્વના ક્ષેત્રોમાં ફાયદો અપાવવામાં નિષ્ફળ રહી છે. ન્યૂઝીલેન્ડના વિદેશ મંત્રી વિંસ્ટન પીટર્સે સોશિયલ મીડિયા દ્વારા આકરા શબ્દોમાં પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું છે કે, ‘અમારી પાર્ટી ‘ન્યૂઝીલેન્ડ ફર્સ્ટ‘ અફસોસ સાથે ભારત-ન્યૂઝીલેન્ડ મુક્ત વ્યાપાર સમજૂતીનો વિરોધ કરે છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો આંતરિક વિખવાદ
પીટર્સનો આરોપ છે કે આ ડીલમાં ન્યૂઝીલેન્ડના સૌથી મહત્ત્વના ડેરી ઉદ્યોગની અવગણના કરવામાં આવી છે અને ઇમિગ્રેશન તેમજ ઇન્વેસ્ટમેન્ટ જેવા ક્ષેત્રોમાં ભારતને બિનજરૂરી મોટી છૂટછાટો આપી દેવામાં આવી છે, જેના બદલામાં ન્યૂઝીલેન્ડના નાગરિકોને કોઈ નોંધપાત્ર ફાયદો મળ્યો નથી.‘ પીટર્સના મતે, આ સમજૂતી ન્યૂઝીલેન્ડના ખેડૂતો અને ગ્રામીણ સમુદાયોના હિતોનું રક્ષણ કરવામાં નિષ્ફળ રહી છે.
બીજી તરફ બંને દેશોના પ્રધાનમંત્રી આ ડીલને અત્યંત હકારાત્મક રીતે જોઈ રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેને માત્ર નવ મહિનામાં પૂર્ણ થયેલ એક ‘ઐતિહાસિક માઈલસ્ટોન‘ ગણાવીને આગામી પાંચ વર્ષમાં દ્વિપક્ષીય વેપાર બમણો થવાની આશા વ્યક્ત કરી છે. તેવી જ રીતે, ન્યૂઝીલેન્ડના પીએમ ક્રિસ્ટોફર લક્સને પણ તેને રોજગાર અને આર્થિક વિકાસ માટેની મોટી તક ગણાવી છે અને દાવો કર્યો છે કે આનાથી દેશની ૯૫% નિકાસ પરનો ટેરિફ નાબૂદ થશે.
વિંસ્ટન પીટર્સની સૌથી મોટી ચિંતા ડેરી પ્રોડક્ટ્સને લઈને છે. તેમણે કહ્યું કે, ‘ન્યૂઝીલેન્ડના કુલ નિકાસમાં ૩૦% હિસ્સો ધરાવતા દૂધ, પનીર અને માખણ જેવા ઉત્પાદનો પર ભારત હજુ પણ ટેરિફ બેરિયર(કરવેરા) ઘટાડી રહ્યું નથી. ન્યૂઝીલેન્ડના ઈતિહાસમાં આ પહેલી એવી ટ્રેડ ડીલ છે જેમાં મુખ્ય ડેરી પ્રોડક્ટ્સને સામેલ કરવામાં આવ્યા નથી.
ભારતે સ્પષ્ટ કર્યું છે કે તેણે પોતાના સ્થાનિક ખેડૂતો અને ઉદ્યોગોના હિતમાં ડેરી તેમજ અન્ય સેન્સિટિવ પ્રોડક્ટ્સ(જેવા કે કોફી, ખાંડ, તેલ અને રબર)ને આ મુક્ત વ્યાપાર સમજૂતીથી બહાર રાખ્યા છે. ભારત પોતાના ડેરી માર્કેટને સુરક્ષિત રાખવા માટે મક્કમ છે.
ન્યૂઝીલેન્ડ સરકારમાં ચાલી રહેલો આ આંતરિક વિખવાદ આંતરરાષ્ટ્રીય સ્તરે ચર્ચાનો વિષય બન્યો છે. પીટર્સનો આરોપ છે કે લક્સનની નેશનલ પાર્ટીએ ‘ક્વોલિટી‘ કરતા ‘ઝડપ‘ને વધુ મહત્ત્વ આપીને આ નબળો સોદો કર્યો છે.