Last Updated on by Sampurna Samachar
ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનના નેતૃત્વની બેઠકમાં વિપક્ષનો પ્રહાર
વિપક્ષના સરકાર સામે ગંભીર આરોપ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણનના નેતૃત્વ હેઠળ યોજાયેલી રાજ્યસભા ફ્લોર લીડર્સની બેઠકમાં સરકાર અને વિપક્ષ વચ્ચે બોલાચાલી થઈ છે. બેઠકમાં વિપક્ષે ભાજપ પર આક્ષેપ કર્યો છે કે, તે સંસદમાં વિપક્ષનો અવાજ દબાવી રહ્યું છે અને સવાલોના જવાબ આપવાથી અંતર જાળવી રહ્યું છે.
બેઠકમાં રાજ્યસભાના નેતા જેપી નડ્ડા પણ ઉપસ્થિત હતાં. માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટીના સાંસદ જ્હોન બ્રિટાસે સરકાર પર ગંભીર આરોપ મૂક્યા છે કે, તે હંમેશા સવાલોના જવાબ આપવાનું ટાળે છે અને પારદર્શિતાથી કામ કરવાનો ઈનકાર કરે છે.
સંસદનું લોકતાંત્રિક ચરિત્ર નબળું પડ્યું
મીડિયા રિપોર્ટ અનુસાર, સરકાર એવા સવાલોની મંજૂરી સુધ્ધા પણ આપતી નથી, જેની જાણકારી સામાન્ય જનતા આરટીઆઈ (સૂચનાના અધિકાર) મારફત હાંસલ કરવા માગે છે. તેનું આ વલણ લોકતંત્ર માટે જોખમી સંકેત આપે છે. બ્રિટાસે જણાવ્યું હતું કે, નવા સંસદ ભવનના ખર્ચ સંબંધિત સવાલ પૂછવાની મંજૂરી આપી ન હતી. તેમજ પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની આયાત પર પૂછવામાં આવેલા સવાલોને ગોપનીય હોવાનું કહી જવાબ આપવાનું ટાળ્યું હતું. જ્યારે આ માહિતી ઓઈલ કંપનીઓના સંગઠન જાહેર કરતાં હોય છે.
વિપક્ષના નેતાઓનું કહેવું છે કે, સંસદમાં સરકાર માહિતી જાહેર કરવામાં ખચકાટ અનુભવે છે. અનેક વખત જનતાના હિત સાથે જોડાયેલા મુદ્દાઓ પર ચર્ચા કરવાનું પણ ટાળી રહી છે. જાે કે, સંસદ જ સરકારને સવાલો કરવાનું સર્વોચ્ચ મંચ છે. જો ત્યાં જ સવાલો નહીં પૂછી શકાય તો પછી જવાબદારી કોણ લેશે?
સુત્રો અનુસાર, બેઠક દરમિયાન ભાજપ નેતાઓએ વિપક્ષના આ આક્ષેપો પર સ્પષ્ટ પ્રતિક્રિયા આપી નથી. તેમણે એટલું જરૂર કહ્યું છે કે, તમામ પ્રશ્ન સંસદના નિયમો અને પ્રક્રિયા અનુસાર સ્વીકારવામાં આવે છે. ઉલ્લેખનીય છે, છેલ્લા કેટલાક સેશનમાં સંસદમાં સવાલોનો અસ્વીકાર અને વિપક્ષ સાંસદોના સસ્પેન્શન મુદ્દે વારંવાર વિવાદ થયો છે. વિપક્ષનું કહેવું છે કે, તેનાથી સંસદનું લોકતાંત્રિક ચરિત્ર નબળું પડી રહ્યું છે. જ્યારે સરકારનો તર્ક છે કે, તે સદનમાં સદભાવના અને અનુશાસન જાળવી રાખવાનો પ્રયાસ કરી રહી છે.