Last Updated on by Sampurna Samachar
જૂની યોજનાની ખામીઓને દૂર કરવા આ બિલ જરૂરી
કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે આપી જાણકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંસદમાં ભારે હોબાળા વચ્ચે વિકાસ ભારત ગેરંટી ફોર એમ્પ્લોયમેન્ટ એન્ડ લાઇવલીહૂડ મિશન (ગ્રામીણ) બિલ પસાર કરવામાં આવ્યું. જે ૨૦ વર્ષ જૂની મનરેગા યોજનાનું સ્થાન લેશે. આ બિલ વાર્ષિક ૧૨૫ દિવસ ગ્રામીણ રોજગારની ગેરંટી આપે છે. વિપક્ષના જોરદાર વિરોધ વચ્ચે, કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ભારપૂર્વક જણાવ્યું હતું કે , જૂની યોજનાની ખામીઓને દૂર કરવા માટે આ બિલ જરૂરી છે.

લોકસભામાં VB-G RAM G બિલ પસાર થયા પછી, તે મોડી રાત્રે રાજ્યસભામાં પસાર થયું હતુ. વિપક્ષે ઉગ્ર વિરોધ કર્યો, હાલની ગ્રામીણ રોજગાર ગેરંટી યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ દૂર કરવાની માંગ કરી અને સરકાર પર રાજ્યો પર નાણાકીય બોજ લાદવાનો આરોપ લગાવ્યો હતો.
મંત્રી શિવરાજ ચૌહાણે કોંગ્રેસ પર આરોપ લગાવ્યો
બિલ પસાર થતાં, ઘણા વિપક્ષી સભ્યોએ રાજ્યસભામાંથી વોકઆઉટ કરી બિલને પરત ખેંચવાની માંગ કરી હતી. તેમજ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. તેઓએ બિલના પાના પણ ફાડી નાખ્યા, જેના કારણે અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને તેમને ટ્રેઝરી બેન્ચ પાસે ન જવાની ચેતવણી આપી.
ત્યારબાદ વિપક્ષી પક્ષોએ બિલ સામે સંસદ સંકુલમાં બંધારણ ગૃહની બહાર રાતભર ૧૨ કલાકના ધરણા કર્યો. વિપક્ષે એવી પણ માંગ કરી કે, બિલને વધુ ચકાસણી માટે સંસદીય પેનલને મોકલવામાં આવે. વાત કરીએ તો રાજ્યસભામાં બિલ પર પાંચ કલાક ચાલેલી ચર્ચાનો જવાબ આપતા, ગ્રામીણ વિકાસ મંત્રી શિવરાજ ચૌહાણે કોંગ્રેસ પર મહાત્મા ગાંધીના આદર્શોને વારંવાર નબળા પાડવાનો અને રાજકીય લાભ માટે તેમના નામનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો.