Last Updated on by Sampurna Samachar
વિપક્ષને સંસદમાં ન બોલવા દેવાનો મુદ્દો ઉઠાવ્યો
સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કરી દીધું
(સંપૂર્ણ સમાચાર સેવા)
સંસદના ચોમાસું સત્રના પહેલા દિવસે હોબાળો થયો હતો. પહલગામ આતંકવાદી હુમલો, ઓપરેશન સિંદૂર અને બિહારમાં મતદાર યાદીના ખાસ સઘન સુધારણાને લઈને વિપક્ષે લોકસભા અને રાજ્યસભા બંનેમાં હોબાળો કર્યો હતો અને આ મુદ્દાઓ પર ચર્ચાની માંગ કરી હતી. લોકસભાની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષના સભ્યોએ સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કરી દીધું. તેમજ રાહુલ ગાંધીએ પણ સત્તા પક્ષ પર મોટો આરોપ લગાવી દીધો છે.
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સંસદ ભવનની બહાર પત્રકારો સામે પક્ષપાતનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, વિપક્ષનો નેતા હોવા છતાં, મને લોકસભામાં બોલવાનો હક નથી. રક્ષા મંત્રી અને સરકારના અન્ય લોકોને બોલવાની છૂટ છે, પરંતુ વિપક્ષી નેતાઓને બોલવાની મંજૂરી નથી. હું વિપક્ષનો નેતા છુ, બોલવાનો મારો અધિકાર છે, મુદ્દાઓ ઉઠાવવાનું મારું કામ છે, પરંતુ તેઓ મને બોલવા દેતા નથી.
હોબાળાને પગલે સ્પીકરને સભા સ્થગિત કરવી પડી
રાહુલ ગાંધીએ વધુમાં કહ્યું કે, આ એક નવો અભિગમ છે. નિયમ એવું કહે છે કે જો સરકારના લોકો કંઈક કહે છે, તો અમને પણ સ્પેસ મળવી જોઈએ. અમે પણ કહેવા માંગતા હતા પરંતુ વિપક્ષને તેમ કરવાની મંજૂરી આપવામાં આવી નહીં.
પ્રિયંકા ગાંધી વાડ્રાએ ગૃહમાં વિપક્ષને બોલવા ન દેવાનો મુદ્દો પણ ઉઠાવ્યો. તેમણે રાહુલ ગાંધીને ટેકો આપ્યો અને કહ્યું કે વિપક્ષના નેતા હોવાને કારણે તેમને બોલવાનો અધિકાર મળવો જોઈતો હતો. જો સરકાર ગૃહમાં ઓપરેશન સિંદૂર પર ચર્ચા કરવા તૈયાર છે, તો તેની ચર્ચા કરો. તો પછી તેઓ વિપક્ષના નેતાને બોલવા કેમ નથી દેતા ? જો તેઓ બધું કરવા તૈયાર છે, તો તેઓ વિપક્ષના નેતાનું મોં કેમ બંધ કરી રહ્યા છે ?
પ્રશ્નકાળની કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી સાંસદોએ સૂત્રોચ્ચાર શરૂ કરી દીધા. તેઓ પહલગામ આતંકવાદી હુમલા અને ઓપરેશન સિંદૂર પર ચર્ચાની માંગ કરી રહ્યા હતા. હોબાળો જોઈને પહેલા સ્પીકર ઓમ બિરલાએ બપોરે ૧૨ વાગ્યા સુધી કાર્યવાહી મુલતવી રાખી. આ પછી, જ્યારે કાર્યવાહી ફરી શરૂ થઈ, ત્યારે હોબાળો ચાલુ રહ્યો અને લોકસભા ફરીથી ૨ વાગ્યા સુધી મુલતવી રાખવી પડી.