Last Updated on by Sampurna Samachar
પરમાણુ હથિયાર બનાવવામાં ભારત છઠ્ઠા ક્રમે
ઈન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલિશ ન્યૂક્લિઅર વેપન્સમાં જાણકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
વિશ્વમાં પરમાણુ હથિયારો બનાવવાની હોડ લાગી છે. આ રેસમાં હાલ નવ દેશ સામેલ છે. તમામે જાન્યુઆરી, ૨૦૨૪ થી જાન્યુઆરી, ૨૦૨૫ દરમિયાન પોતાને પરમાણુ મોરચે મજબૂત બનાવ્યા છે. SIPRI ના રિપોર્ટ અનુસાર, ભારતે છેલ્લા એક વર્ષમાં ૮ પરમાણુ હથિયાર બનાવ્યા છે. ભારત પાસે જાન્યુઆરી, ૨૦૨૫માં ૧૮૦ પરમાણુ હથિયાર હતાં. જે અગાઉના વર્ષે ૧૭૨ હતાં. જ્યારે ભારતના પડોશી દેશ ચીને આ સમયગાળામાં ૧૦૦ પરમાણુ હથિયાર બનાવ્યા હતાં. આ સાથે તેના પરમાણુ હથિયારનો જથ્થો વધી ૬૦૦ થયો છે.
SIPRI (સ્ટોકહોમ ઈન્ટરનેશનલ પીસ રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ) ના રિપોર્ટમાં જણાવાયું છે કે, વિશ્વના આશરે ૯૦ ટકા પરમાણુ હથિયાર માત્ર રશિયા અને અમેરિકા પાસે છે. અન્ય એક રિપોર્ટ ઈન્ટરનેશનલ કેમ્પેઈન ટુ એબોલિશ ન્યૂક્લિઅર વેપન્સ (ICAN) માં જણાવ્યા પ્રમાણે, ગતવર્ષે ન્યૂક્લિઅર હથિયારો ધરાવતા દેશોએ તેમના પરમાણુ શસ્ત્રાગાર (એટોમિક જથ્થા) માં વધારો કરવા ૧૦૦ અબજ ડોલરથી વધુનુ રોકાણ કર્યું છે.
વિશ્વમાં કુલ ૧૨,૨૪૧ પરમાણુ હથિયાર
જ્યારે યુકે, ચીન, ફ્રાન્સ, ભારત, ઈઝરાયલ, દક્ષિણ કોરિયા, પાકિસ્તાન, રશિયા અને અમેરિકાએ ૨૦૨૩ની તુલનાએ ૨૦૨૪માં ૧૦ અબજ ડોલરનું રોકાણ વધાર્યું છે. અમેરિકા અને રશિયા ઉપરાંત બ્રિટન, ફ્રાન્સ, ચીન, ભારત, પાકિસ્તાન, ઉત્તર કોરિયા અને ઈઝરાયલ પરમાણુ હથિયારનો જથ્થો વધારી રહ્યા છે.
રિપોર્ટ અનુસાર, વિશ્વમાં કુલ ૧૨,૨૪૧ પરમાણુ હથિયાર છે. જેમાં ૯૬૧૪ સૈન્ય ભંડારમાં છે. આશરે ૩૯૧૨ પરમાણુ હથિયાર મિસાઈલ અને વિમાનો સાથે તૈનાત છે. અમેરિકા પાસે કુલ ૫૧૭૭ પરમાણુ હથિયાર છે. જેમાં ૧૪૭૭ વૉરહૅડ છે. સૈન્ય ભંડારમાં ૩૭૦૦માંથી ૧૭૭૦ તૈનાત છે, અને ૧૯૩૦ સંગ્રહિત છે. રશિયા પાસે કુલ ૫૪૫૯ પરમાણુ હથિયાર છે. જેમાં સૈન્ય ભંડારમાં ૪૩૦૯ સામેલ છે. જેમાં ૧૭૧૮ વૉરહૅડ તૈનાત છે અને ૨૫૯૧ને સંગ્રહ કરે છે.
રશિયાએ ૧૧૫૦ વૉરહૅડ રિટાયર કર્યા છે. જ્યારે બ્રિટને ૧૨૦ વૉરહૅડ તૈનાત કર્યા છે. ૧૦૫ સ્ટોરેજમાં છે. તેના સેનામાં ૨૨૫ હથિયારોનો ભંડાર છે. બ્રિટન પાસે કુલ ૨૨૫ પરમાણુ હથિયાર છે. ફ્રાન્સની પાસે કુલ ૨૯૦ પરમાણુ હથિયાર છે, જેમાંથી ૨૮૦ તૈનાત છે અને ૧૦ સંગ્રહિત છે. ચીન પાસે આશરે ૬૦૦ પરમાણુ હથિયાર છે, જેમાં ૨૪ વૉરહૅડ અને ૫૭૬ સંગ્રહિત છે.
પરમાણુ હથિયારના જથ્થામાં અમેરિકા પ્રથમ અને રશિયા બીજા ક્રમે છે. જ્યારે ભારત છઠ્ઠા સ્થાને છે. ભારત પાસે કુલ ૧૮૦ પરમાણુ હથિયાર છે. તે તમામ સંગ્રહિત છે. જ્યારે પાકિસ્તાન પાસે ૧૭૦ અને ઉત્તર કોરિયા પાસે ૫૦ પરમાણુ હથિયાર છે. આ સિવાય ઈઝરાયલ પાસે ૯૦ વૉરહૅડ છે. આ તમામ દેશોમાં પરમાણુ હથિયાર સેનાના ભંડારમાં સંગ્રહિત છે.
SIPRI નો અંદાજ છે કે, ચીન પાસે છેલ્લા એક વર્ષમાં પરમાણુ શસ્ત્રાગાર ૧૦૦થી વધી ૬૦૦ થયા છે. રિપોર્ટ અનુસાર, કોઈપણ દેશની તુલનાએ ચીન પાસે સૌથી વધુ પરમાણુ હથિયાર સંગ્રહિત છે. ચીન પોતાના પરમાણુ હથિયારના ભંડારમાં સતત વધારો કરી રહ્યું છે. જેની અસર ભારત પર થઈ શકે છે. કારણકે, બેઈજિંગ પાકિસ્તાનનો સહયોગી છે. અને તે પરમાણુ હથિયારમાં તેને મદદ કરી શકે છે. SIPRI એ રિપોર્ટ તૈયાર કરતી વખતે ચીન સાથે આ મુદ્દે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ગુઓ જિયાકુને કોઈ જવાબ આપ્યો ન હતો.