Last Updated on by Sampurna Samachar
૮૦ ટકા પોલીસ સ્ટાફને વાહન ચેકિંગમાં તૈનાત
અવાવરૂ જગ્યાઓ અને ફાર્મ હાઉસમાં ડ્રોન કેમેરાથી પોલીસની નજર
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજકોટ શહેરમાં ૩૧ ડિસેમ્બરના કાર્યક્રમો માટે પોલીસે માત્ર ૧૨ આયોજકોને જ મંજૂરી આપી છે. નવા વર્ષની પૂર્વસંધ્યાએ કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તમામ પોલીસ સ્ટેશનના લગભગ ૮૦ ટકા સ્ટાફને વાહન ચેકિંગમાં તૈનાત કરવામાં આવ્યો છે. શહેરના મુખ્ય ચોકો અને માર્ગો પર કડક ચેકિંગ હાથ ધરાશે, જ્યાં પોલીસ બ્રેથ એનાલાઇઝર તથા ડ્રગ્સ ડિટેક્શન કિટની મદદથી તપાસ કરશે.

રાજકોટમાં ૩૧મી ડિસેમ્બરની ઉજવણી માટે પોલીસને આયોજકો દ્વારા મંજૂરી માટે અરજી કરવામાં આવી હતી. જેના અનુસંધાને પોલીસે માત્ર ૧૨ આયોજકોને જ કાર્યક્રમની મંજૂરી આપી છે. બીજી તરફ રેવ અને દારુ પાર્ટીને રોકવા માટે પોલીસે ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે.
SHE ટીમ અને રોમિયો સ્ક્વોર્ડ ખાનગી ડ્રેસમાં તૈનાત
જેમાં પોલીસ સ્ટેશનનો ૮૦ ટકા સ્ટાફ મુખ્ય રોડ અને ચોકમાં વાહનોનું ચેકિંગ કરશે. પોલીસ બ્રેથ એનલાઈઝર અને ડ્રગ્સ ડિટેક્શન કીટથી ચેકિંગ કરશે.આ ઉપરાંત શહેરની આસપાસ રહેલી અવાવરૂ જગ્યાઓ અને ફાર્મ હાઉસમાં ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે. પોલીસે થર્ટી ફર્સ્ટના આયોજકોને પૂરતી સુરક્ષા વ્યવસ્થા રાખવાની સૂચના આપી છે.
પોલીસને નાઈટ વિઝન કેમેરા રાખવાની પણ સલાહ આપવામાં આવી છે. રાજકોટ શહેરમા મહિલાઓની સુરક્ષા માટે SHE ટીમ અને રોમિયો સ્ક્વોર્ડ ખાનગી ડ્રેસમાં તૈનાત રહેશે.