Last Updated on by Sampurna Samachar
નોની રાણા કુખ્યાત ગેંગસ્ટર કાલા રાણાનો નાનો ભાઈ
કેનેડા ભાગે તે પહેલા નોની રાણા પકડાયો
(સંપૂર્ણ સમાચાર સેવા)
મોસ્ટ વોન્ટેડ ગેંગસ્ટર નોની રાણાની અમેરિકામાં ધરપકડ કરવામાં આવી છે. માહિતી મુજબ, કેનેડા ભાગવાનો પ્રયાસ કરતી વખતે અમેરિકન એજન્સીઓએ તેને નાયગ્રા બોર્ડર નજીકથી પકડ્યો હતો. બોર્ડર વિસ્તારમાં સુરક્ષા તપાસ દરમિયાન જ તે એજન્સીઓના હાથે ઝડપાઈ ગયો હતો.

મૂળરૂપે હરિયાણાનો રહેવાસી નોની રાણા કુખ્યાત ગેંગસ્ટર કાલા રાણાનો નાનો ભાઈ છે. પોલીસ અને ઈન્ટેલીજન્સ એજન્સીઓ ઘણા સમયથી તેની શોધમાં હતી અને હવે તેની ધરપકડ પછી, તેના પ્રત્યાર્પણ અને અન્ય કાયદાકીય પ્રક્રિયાઓ શરૂ કરવામાં આવી છે.
નોની રાણાની ધરપકડથી સમગ્ર ગેંગના નેટવર્કને મોટો ફટકો
સૂત્રોએ જણાવ્યું કે, નોની રાણાને ઝડપથી ભારત લાવવા માટે હરિયાણા પોલીસે કેન્દ્રીય એજન્સીઓ સાથે મળીને અમેરિકન અધિકારીઓનો સંપર્ક કર્યો છે. ટૂંક સમયમાં જ નોની રાણાને ભારત લાવીને તેની પૂછપરછ કરવામાં આવશે. તેની ધરપકડથી ગેંગના વિદેશી ફંડિંગ અને હથિયારોની સપ્લાય ચેન સાથે જોડાયેલા ઘણા મોટા રહસ્યો ખુલી શકે છે.
નોની રાણા લૉરેન્સ બિશ્નોઈ ગેંગનો એક મહત્ત્વપૂર્ણ સભ્ય છે. તાજેતરમાં જ નોની રાણાની અનેક સોશિયલ મીડિયા પોસ્ટ્સ સામે આવી હતી. આ પોસ્ટ્સમાં તેણે લૉરેન્સ ગેંગ દ્વારા હરિયાણામાં કરવામાં આવેલી ઘણી ગુનાહિત ઘટનાઓની જવાબદારી લીધી હતી. આનાથી સ્પષ્ટ થાય છે કે તે વિદેશમાં રહીને પણ ભારતમાં ગુનાઓને અંજામ અપાવી રહ્યો હતો.
નોની રાણા હરિયાણાના યમુનાનગરનો રહેવાસી છે અને તે કુખ્યાત ગેંગસ્ટર કાલા રાણાનો નાનો ભાઈ છે. નોની રાણા બનાવટી પાસપોર્ટનો ઉપયોગ કરીને વિદેશ ભાગી ગયો હતો, જ્યાંથી તે લૉરેન્સ બિશ્નોઈ ગેંગ માટે કામ કરતો હતો.
નોંધનીય છે કે લૉરેન્સ બિશ્નોઈના ભાઈ અનમોલ બિશ્નોઈને પણ અમેરિકાથી ડિપોર્ટ કરીને ભારત લાવવામાં આવ્યો હતો. હવે માત્ર ૨૪ કલાકની અંદર ગેંગના વધુ એક મોટા ઓપરેટર નોની રાણાની ધરપકડથી સમગ્ર ગેંગના નેટવર્કને મોટો ફટકો પડ્યો છે.