Last Updated on by Sampurna Samachar
પાકિસ્તાન સરહદ પર પડકારોનો સામનો કરવા અસમર્થ
તુર્કીયેએ ઇસ્લામાબાદને પોતાનો ટેકો આપ્યો
(સંપૂર્ણ સમાચાર સેવા)
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવનું વાતાવરણ છે. પાકિસ્તાન સતત ચોથી રાતથી સરહદ પર ગોળીબાર કરી રહ્યું છે અને ભારતીય સૈનિકો તેનો યોગ્ય જવાબ આપી રહ્યા છે. હમણાં થોડા દિવસ પહેલા જ સમાચાર આવ્યા કે ચીને પાકિસ્તાનને J-F17 મિસાઇલ પહોંચાડી દીધી છે અને C-130 હર્ક્યુલસ વિમાન ઇસ્લામાબાદમાં ઉતર્યું હોવાના અહેવાલ છે.

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે, તુર્કીયેએ ઇસ્લામાબાદને પોતાનો ટેકો આપ્યો છે અને લડાયક સાધનો મોકલ્યા છે. તુર્કીયે વાયુસેનાનું C-130 હર્ક્યુલસ લશ્કરી પરિવહન વિમાન કરાચી પહોંચ્યું, જે લડાયક સાધનો લઈને આવ્યું હતું.
તુર્કીયે, પાકિસ્તાન અને ચીન વચ્ચે લશ્કરી સહયોગ
સૂત્રોના જણાવ્યા અનુસાર, તુર્કીયેનું આ પગલું બંને દેશો વચ્ચેના વ્યાપક સંરક્ષણ સહયોગનો એક ભાગ છે. એવામાં કરાચીમાં ૧ ઉપરાંત, ૬ તુર્કીયે C-130 વિમાનો ઇસ્લામાબાદના લશ્કરી મથક પર ઉતર્યા હોવાના અહેવાલ છે, જે પાકિસ્તાનને તુર્કીયેના સમર્થનને મજબૂત બનાવે છે કારણ કે તે સ્પષ્ટ થઈ રહ્યું છે કે પાકિસ્તાન તેની ઇન્ટરનેશનલ બોર્ડર પર વધતા પડકારોનો એકલા સામનો કરવામાં અસમર્થ છે.
તુર્કીયે અને પાકિસ્તાની બંને સૂત્રોએ લશ્કરી કાર્ગોના ટ્રાન્સફરની પુષ્ટિ કરી છે. જોકે, શિપમેન્ટની ચોક્કસ વિગતો જાહેર કરવામાં આવી નથી. પરંતુ તુર્કીયેના આ પગલાને પાકિસ્તાનને મોટા સમર્થન તરીકે જોવામાં આવી રહ્યું છે. આ સાથે ચીને પાકિસ્તાનને ડ્રોન જેવા સંરક્ષણ સાધનો મોકલવાની પણ માહિતી આપી છે. સંરક્ષણ નિષ્ણાતો માને છે કે તુર્કીયે, પાકિસ્તાન અને ચીન વચ્ચે આ વધતો લશ્કરી સહયોગ દક્ષિણ એશિયાના ભૌગોલિક રાજનીતિમાં નોંધપાત્ર પરિવર્તન લાવી શકે છે.
એવા અહેવાલો છે કે પાકિસ્તાન વાયુસેના (PAF) ને ચીન તરફથી અત્યાધુનિક PL-15 ખૂબ જ લાંબા અંતરની એર ટૂ એર પ્રહાર કરતી મિસાઇલોની ઝડપી ડિલિવરી મળી છે. PAF એ તેના નવા JF-17 બ્લોક III ફાઇટર જેટની તસવીરો જાહેર કરી છે. જો આ અહેવાલો સાચા હોય, તો આ બેઇજિંગથી ઇસ્લામાબાદને આવેલા શસ્ત્રો ભારત-પાકિસ્તાનના વધતા તણાવને કોઈપણ ક્ષણે યુદ્ધમાં પરિણમી શકે છે.