Last Updated on by Sampurna Samachar
ઓડિશામાં બીચ પર યુવતી પર સામુહિક દુષ્કર્મનો મામલો
પોલીસે ચાર સગીર સહિત ૧૦ ની ધરપકડ કરી
(સંપૂર્ણ સમાચાર સેવા)
ઓડિશાના પ્રસિદ્ધ ગોપાલપુર બીચ પર ૨૦ વર્ષિય મહિલા પર સામુહિક દુષ્કર્મની ઘટના મામલે ચાર સગીર સહિત ૧૦ લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે, ખાન કૉલેજની સ્નાતક વિદ્યાર્થિની પોતાના પ્રેમી સાથે બીચ પર ગઈ હતી. શરૂઆતની પૂછપરછમાં સાત લોકોને કસ્ટડીમાં લેવાયા હતા, ત્યારબાદ ૧૦ લોકોની ધરપકડ કરી તેમની પૂછપરછ શરૂ કરી દેવાઈ છે.

ગોપાલપુલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવનાર પીડિતાએ આક્ષેપ કર્યો છે કે, ‘તેણી અને તેનો પ્રેમી બીચ પર સુમસામ જગ્યાએ બેઠા હતા. આ દરમિયાન ૧૦ લોકો ત્યાં આવી તેના પ્રેમીને ઘેરી લઈ હાથ-પગ બાંધી દીધા હતા. ત્યારબાદ મહિલા પર એક પછી એક આરોપીઓએ દુષ્કર્મ આચર્યું હતું. પોલીસ અધિકારીઓએ કહ્યું કે, એક આરોપી અન્ય રાજ્યમાં ભાગવાની ફિરાકમાં હતા, જોકે તેને ઝડપી લેવાયો છે.
પીડિતાની મેડિકલ તપાસ કરાવાઈ
SP સરવણ વિવેક એમએ કહ્યું કે, ‘ ત્રણ લોકોએ મહિલા પર વારાફરથી દુષ્કર્મ કર્યું, જ્યારે અન્ય સાત લોકો ત્રણેયને સુરક્ષા આપી રહ્યા હતા. આ ઘટનાની તપાસ માટે વિશેષ પોલીસ દળની રચના કરવામાં આવી છે. પોલીસ કોર્ટને વિનંતી કરશે કે, સગીરોને પુખ્ત વયના લોકો તરીકે ગણવામાં આવે, કારણ કે તેઓ એક જધન્ય ગુનામાં સામેલ હતા. પીડિતાની મેડિકલ તપાસ કરાવાઈ છે. પોલીસે કહ્યું કે, પીડિતા અન્ય ત્રણ મહિલા સાથે ખાનગી મેસમાં રહેતી હતી.