Last Updated on by Sampurna Samachar
જનરલ મુનીરે LOC ની મુલાકાત દરમિયાન કરી વાતચીત
મુનીરની આ ટિપ્પણી સીધી રીતે ભારતને કરવામાં આવી
(સંપૂર્ણ સમાચાર સેવા)
પાકિસ્તાન સુધરવાનું નામ નથી લઈ રહ્યું. બકરી ઈદના અવસરે ફરી એકવાર તેણે કાશ્મીરનો રાગ આલાપ્યો છે. પાકિસ્તાની સેના પ્રમુખ જનરલ આસિમ મુનીરે LOC પર આવેલી અગ્રીમ ચોકીઓની મુલાકાત લીધી અને ત્યાં તૈનાત સૈનિકો સાથે મુલાકાત કરી હતી. જનરલ મુનીરે તેમના સૈનિકોને બકરી ઈદની શુભેચ્છાઓ પાઠવી અને તેમની સાથે વાતચીત પણ કરી હતી.
પાકિસ્તાની સેનાની મીડિયા શાખા ઈન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સ (ISPR) દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, જનરલ મુનીરે સૈનિકોના મનોબળ, યુદ્ધની તૈયારી અને સતર્કતાની પ્રશંસા કરી. તેમણે સૈનિકોને કહ્યું કે પરિવારથી દૂર રહીને ઈદ મનાવવી એ આ વાતનું પ્રતીક છે કે તેઓ રાષ્ટ્રસેવાને સર્વોપરી માને છે.
કાશ્મીર પાકિસ્તાનની વિદેશ નીતિનું સ્થાયી હથિયાર
એટલું જ નહીં જનરલ મુનીરે તેમના સૈનિકોની વચ્ચે તાજેતરમાં સર્જાયેલી યુદ્ધ જેવી પરિસ્થિતિનો ઉલ્લેખ કર્યો અને દાવો કર્યો કે પાકિસ્તાને ભારતને આકરો જવાબ આપ્યો છે. મુનીરની આ ટિપ્પણી સીધી રીતે ભારતની તાજેતરની સૈન્ય કાર્યવાહીઓના જવાબમાં આપવામાં આવી હોવાનું માનવામાં આવે છે.
જનરલ મુનીરે LOC પરની તેમની મુલાકાત દરમિયાન ફરી એકવાર કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો. તેમણે પાકિસ્તાન (PAKISTHAN) ના તથાકથિત ‘સૈદ્ધાંતિક વલણ‘નું પુનરાવર્તન કરતા કશ્મીરી જનતાને સમર્થન આપવાનું ચાલુ રાખવાનો સંકલ્પ વ્યક્ત કર્યો.
મુનીરે કહ્યું કે કાશ્મીરી જનતાનો ન્યાયપૂર્ણ અને સાહસિક સંઘર્ષ ક્યારેય ભૂલાશે નહીં. તેમણે આ વાત પર ભાર આપ્યો કે જમ્મુ-કાશ્મીર વિવાદનું સમાધાન ત્યાંની જનતાની આકાંક્ષાઓ અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સંબંધિત ઠરાવોના અનુરૂપ જ હોવું જોઈએ. આ પહેલીવાર નથી કે પાકિસ્તાને કોઈ ધાર્મિક કે સૈન્ય અવસરે કાશ્મીરનો મુદ્દો ઉછાળ્યો હોય.
હકીકતમાં, કાશ્મીર પાકિસ્તાનની વિદેશ નીતિનું સ્થાયી હથિયાર બની ગયું છે, ખાસ કરીને જ્યારે તેને આંતરિક સંકટો કે આંતરરાષ્ટ્રીય દબાણનો સામનો કરવો પડે છે. ભારતે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશો હતા, છે અને હંમેશા ભારતનો અભિન્ન અને અવિભાજ્ય ભાગ રહેશે.
આંતરરાષ્ટ્રીય સમુદાયનું વલણ પણ હવે પહેલાં કરતાં વધુ સંતુલિત અને ભારતના વલણને અનુકૂળ દેખાય છે. ૨૨ એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાએ ભારત-પાકિસ્તાન વચ્ચેના તણાવને ફરી ભડકાવ્યો હતો. આ હુમલામાં ૨૬ પ્રવાસીઓના મૃત્યુ થયા હતા.
ત્યારબાદ ભારતે ૭ મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન-અધિકૃત કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર ચોક્કસ હુમલા કર્યા હતા. ચાર દિવસ સુધી બંને દેશો વચ્ચે સરહદી વિસ્તારોમાં તણાવ જોવા મળ્યો હતો. ભારતે પાકિસ્તાનની ઊંઘ હરામ કરી નાખી હતી, પાકિસ્તાનીઓ બંકરમાં ઘૂસી ગયા હતા. આખરે, ૧૦ મેના રોજ બંને દેશોના ડિરેક્ટર જનરલ્સ ઓફ મિલિટરી ઓપરેશન્સ વચ્ચેની વાતચીત બાદ સૈન્ય કાર્યવાહીઓ રોકવા પર સહમતિ થઈ હતી.