Last Updated on by Sampurna Samachar
ખજોદ ડમ્પિંગ સાઇટમાં ફરી એકવાર ભીષણ આગ લાગી
ખજોદ ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગને કાબૂ મેળવવા ૬થી વધુ ફાયર સ્ટેશનોની ૮થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરત શહેરમાં ફરી એકવાર ભીષણ આગ લાગવાની ગંભીર ઘટના સામે આવી છે. ખજોદ ડમ્પિંગ સાઇટમાં થોડા દિવસો અગાઉ લાગેલી આગ બાદ હાલ ફરી એકવાર કચરાના મોટા ઢગલામાં આગ ભભૂકી ઉઠી છે. જેના કારણે આકાશમાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. જો કે આગની જાણકારી મળતા ફાયર વિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો છે અને હાલ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે.

સુરતના શહેરી વિસ્તારથી થોડે દૂર ખજોદ ખાતે આવેલ કચરા મોટા ઢગલામાં હાલ ફરી એકવાર આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. ડમ્પિંગ યાર્ડમાં ભીષણ આગ લાગતા આકાશમાં દૂર દૂર સુધી કાળા ધુમાડાના ગોટેગોટા જોવા મળી રહ્યા છે. જેના કારણે આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા છે, જોકે આગની જાણકારી મળતા જ ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે અને ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવવાની કાર્યગીરી શરૂ કરી છે.
ખજોદ ડમ્પિંગ સાઇટમાં આગ
હાલની માહિતી અનુસાર, ખજોદ ડમ્પિંગ સાઇટમાં લાગેલી આગને કાબૂ મેળવવા ૬થી વધુ ફાયર સ્ટેશનોની ૮થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે અને ફાયર વિભાગના અનેક જવાનો આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહ્યા છે. ફાયરકર્મીઓ સતત પાણીનો મારો ચલાવી રહ્યા છે. જો કે કચરાના ઢગમાં આગ લાગેલી હોવાની આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે.નોંધનીય છે કે, થોડા દિવસ પહેલાં પણ આ ખજોદ ડમ્પિંગ સાઇટમાં આગ લાગી હતી.
આ વર્ષે ફેબ્રૂઆરી મહિનાની શરૂઆતમાં આ કચરાના ઢગલામાં આગ ચાલી હતી. જે સતત ૩-૪ દિવસ ચાલ્યા બાદ કાબૂમાં આવી હતી અને તે સમયે આ મુદ્દે રાજકારણ પણ ગરમાયું હતું, ત્યારે હાલ ફરી એકવાર આ ડમ્પિંગ સાઇટમાં આગ લાગતા ઘટના ચર્ચાનો વિષય બની છે.