Last Updated on by Sampurna Samachar
Contents
કોઈ પણ સભ્યને નિયમથી બહાર જઈને બોલવાનો અધિકાર નથી
મેં હંમેશા એવો પ્રયાસ કર્યો છે કે ગૃહની અંદર દરેક સભ્ય નિયમો અને પ્રક્રિયા અનુસાર પોતાના વિચારો વ્યક્ત કરે : ઓમ બિરલા
(સંપૂર્ણ સમાચાર સેવા)
લોકસભા સ્પીકર ઓમ બિરલા વિરુદ્ધ વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવને નીચલા ગૃહમા ફગાવી દેવામાં આવ્યા બાદ, આજે ઓમ બિરલાએ ફરીથી લોકસભાનીની કાર્યવાહીનું સંચાલન સંભાળ્યું. આ દરમિયાન તેમણે અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા દરમિયાન વિપક્ષી સાંસદો દ્વારા લગાવવામાં આવેલા આરોપોનો સ્પષ્ટ અને નિયમબદ્ધ જવાબ આપ્યો.

નિયમો અને પ્રક્રિયા પર ભાર મૂકતાં ઓમ બિરલાએ કહ્યું કે, ગૃહમાં કોઈપણ નેતા – ભલે તે વડાપ્રધાન હોય કે વિપક્ષના નેતા તેમને નિયમો અને પ્રક્રિયા મુજબ જ બોલવા દેવામાં આવે છે. રાહુલ ગાંધીને કોઈ વિશેષાધિકાર નથી અને કોઈને પણ નિયમોથી બહાર જઈને બોલવાનો અધિકાર નથી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, “સદન નિયમોથી જ ચાલે છે અને ભવિષ્યમાં પણ નિયમો તથા પ્રક્રિયા અનુસાર જ ચાલશે – ભલે કોઈ સંમત હોય કે અસંમત હોય.”
કોઈ સભ્યને નિયમોથી બહાર જઈને બોલવાનો અધિકાર નથી
ઓમ બિરલાએ કહ્યું કે, આ સદન ૧૪૦ કરોડ નાગરિકોની સાર્વભૌમ ઈચ્છાનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે કહ્યું કે, મેં હંમેશા એવો પ્રયાસ કર્યો છે કે ગૃહની અંદર દરેક સભ્ય નિયમો અને પ્રક્રિયા અનુસાર પોતાના વિચારો વ્યક્ત કરે. તેમણે કહ્યું કે, જ્યારે પણ લોકમતના કોઈ મુદ્દાની ચર્ચા થાય છે, ત્યારે ભલે તે વડાપ્રધાન હોય કે મંત્રીઓ હોય, તેમને નિયમ ૩૭૦ હેઠળ અધ્યક્ષની પૂર્વાનુમતિ લેવી પડે છે. ઓમ બિરલાએ કહ્યું કે કોઈ સભ્યને નિયમોથી બહાર જઈને બોલવાનો અધિકાર નથી.
તેમણે કહ્યું કે આપણા દેશમાં નિયમોનું સન્માન કરવાની સમૃદ્ધ પરંપરા રહી છે. તેમણે કહ્યું કે ભવિષ્યમાં પણ સદન નિયમ અને પ્રક્રિયાથી જ ચાલશે – ભલે કોઈ સંમત હોય કે અસંમત હોય. સમાવેશી અભિગમ અપનાવતાં બિરલાએ જણાવ્યું કે, તેમણે તમામ સભ્યોને સમય આપવાનો પ્રયાસ કર્યો છે. જે સભ્યો સંકોચ કરે છે કે બોલતા નથી, તેમને તેઓ પોતાની ચેમ્બરમાં બોલાવીને બોલવા માટે પ્રેરિત કરે છે. તેમણે કહ્યું કે, “સદનમાં બોલવાથી સદન મજબૂત થાય છે. આ સદન વિચારોની ચર્ચાનું જીવંત મંચ રહ્યું છે અને સંમતિ તથા અસંમતિની પરંપરા અહીં હંમેશા રહી છે.”
અવિશ્વાસ પ્રસ્તાવ વિશે વાત કરતાં ઓમ બિરલાએ કહ્યું કે, ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ વિપક્ષના કેટલાક સભ્યોએ અવિશ્વાસ પ્રસ્તાવની નોટિસ આપી હતી. તેમણે તેને સ્વીકારીને ખુદ સદનની કાર્યવાહીમાંથી દૂર રહ્યા હતા. ચર્ચા દરમિયાન અનેક વિચારો અને ભાવનાઓ સમક્ષ આવી, જેમાં સમર્થન અને આલોચના બંનેનો સમાવેશ થયો. તેમણે બધાની વાત ગંભીરતાથી સાંભળી અને આભાર વ્યક્ત કર્યો.
છેલ્લે તેમણે ભાવુક અંત કરતાં કહ્યું કે, “આ આસન કોઈ વ્યક્તિનું નથી, આ ભારતની લોકશાહી પરંપરા, સંવિધાનની ભાવના અને મહાન પરંપરાનું પ્રતીક છે. મેં તે મર્યાદા અને પરંપરાને મજબૂત કરી છે. સંસ્થાઓ, મર્યાદાઓ અને પરંપરાઓ સ્થાયી રહે છે.” તેમણે સદન દ્વારા વ્યક્ત કરાયેલા વિશ્વાસ બદલ તમામનો આભાર માન્યો.