ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા બંદર પર ઘાટનું નિર્માણ થઇ રહ્યું હતું
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેવભૂમિ દ્વારકા જિલ્લાના ઓખા બંદર પર એક અકસ્માતમાં ત્રણ મજૂરોના અવસાન થયા હોવાની પોલીસે આ માહિતી આપી છે. આ દુર્ઘટના બંદર પર બાંધકામના સ્થળે ક્રેન પડતાં થઈ હતી, જેમાં બે મજૂરોનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું, જ્યારે ત્રીજા મજૂરનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન અવસાન થયું હતું. દુર્ઘટનાની જાણ થતા જ ૧૦૮, ફાયર વિભાગની ટીમ, પોલીસ અને કોસ્ટગાર્ડની ટીમ દોડી આવી હતી અને ત્રણેયના મૃતદેહને હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરાઈ હતી. ત્રણેય મૃતકોની ઓળખ કરી લેવાઈ છે.
જિલ્લા કલેક્ટર જી.ટી.પંડ્યાએ જણાવ્યું હતું કે, ઓખા બંદર પર ઘાટનું નિર્માણ ગુજરાત મેરીટાઇમ બોર્ડ દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ક્રેન પડી ગઈ, જેના કારણે ત્રણ કામદારોના મોત થયા.ઓખા મરીન પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું હતું કે ક્રેન દ્વારા કચડાઈ જવાથી બે કામદારોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે અન્ય એક કામદારને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.