Last Updated on by Sampurna Samachar
૩૫ લાખ રૂપિયા ખાલી ખેલાડીઓના કેળા પર ખર્ચાયા
હાઈકોર્ટે BCCI ને નોટિસ ફટકારી
(સંપૂર્ણ સમાચાર સેવા)
૧૨ કરોડનું ફંડ અને ૩૫ લાખના કેળા…ચોંકી ગયા ને? હકીકતમાં જોઈએ તો, ક્રિકેટમાં બનાના કૌભાંડ સામે આવ્યું છે. અધિકારીઓ પર આરોપ છે કે કેળાના નામ પર કરોડો રૂપિયા હજમ કરી ગયા છે. હવે આ સમગ્ર મામલે હાઈકોર્ટે BCCI ને નોટિસ ફટકારી છે.
હકીકતમાં આ સમગ્ર મામલો ક્રિકેટ એસોસિએશન ઓફ ઉત્તરાખંડ સાથે જોડાયેલો છે. જ્યાં ૧૨ કરોડ રૂપિયાના સરકારી ફંડનો દુરુપયોગ કરવાનો મામલો સામે આવ્યો છે. રિપોર્ટ અનુસાર, અરજીકર્તાએ કોર્ટમાં એક ઓડિટ રિપોર્ટ દેખાડ્યો છે, જેમાં ૩૫ લાખ રૂપિયા ખાલી ખેલાડીઓના કેળા પર ખર્ચ કરવામાં આવ્યા છે.
આગામી સુનાવણી ૧૨ સપ્ટેમ્બરે નક્કી કરાઇ
સવાલ એ થાય છે કે હવે આટલા બધા કેળા આખું જંગલ પણ ન ખાઈ શકે, જેટલા અધિકારીઓના જણાવ્યા અનુસાર ખેલાડીઓ ખાઈ ગયા. જસ્ટિસ મનોજ કુમાર તિવારીની સિંગલ બેન્ચે આ મામલે સુનાવણી કરી હતી. દેહરાદૂનના રહેવાસી સંજય રાવત અને અન્ય લોકોની અરજીઓમાં કહેવાયું છે કે ૨૦૨૪-૨૫ના નાણાકીય વર્ષમાં એસોસિએશને ૬.૪ કરોડ ઇવેન્ટ મેનેજમેન્ટ પર અને લગભગ ૨૬.૩ કરોડ ટૂર્નામેન્ટ અને ટ્રાયલ્સ પર ખર્ચ દેખાડ્યો છે. ગત વર્ષે આ ખર્ચ ૨૨.૩ કરોડ આવ્યો હતો.
અરજીકર્તાઓનો આરોપ છે કે ખાવા-પીવા અને આયોજનના નામ પર કરોડોની હેરાફેરી થઈ, જ્યારે ખેલાડીઓને વાયદા પ્રમાણે સુવિધા આજ સુધી મળી નથી. કોર્ટે આ મામલાને ગંભીરતાથી લેતા આગામી સુનાવણી ૧૨ સપ્ટેમ્બરે નક્કી કરી છે.