Last Updated on by Sampurna Samachar
માર્ચ એન્ડિંગ છતાં ગોધરા પાલિકાનો વહીવટ રામભરોસે
કુલ ૨૩ કરોડ રૂપિયાના બાકી વેરા સામે પાલિકા અત્યાર સુધી માત્ર ૧ કરોડ રૂપિયાની જ વસૂલાત કરી શકી છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નાણાકીય વર્ષ પૂર્ણ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે પંચમહાલની ગોધરા નગરપાલિકાનો વેરાવસૂલાત વિભાગ ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે. શહેરના વિકાસના મોટા–મોટા દાવાઓ વચ્ચે પાલિકાબાકી વેરા વસૂલવામાં સદંતર નિષ્ફળ સાબિત થઈ છે. કુલ ૨૩ કરોડ રૂપિયાના બાકી વેરા સામે પાલિકાઅત્યાર સુધી માત્ર ૧ કરોડ રૂપિયાની જ વસૂલાત કરી શકી છે.

આશ્ચર્યની વાત તો એ છે કે, સામાન્ય જનતા પાસે વેરાની કડક ઉઘરાણી કરતું તંત્ર સરકારી શાળાઓ, કચેરીઓ અને ગોધરાના માલેતુજારો સામે લાચાર જણાઈ રહ્યું છે. અનેક સરકારી સંસ્થાઓ અને મોટામાથાઓએ વર્ષોથી વેરો ચૂકવ્યો નથી, છતાં પાલિકાનો વસૂલાત વિભાગ તેમની સામે કોઈ કાયદેસરનીકાર્યવાહી કરવામાં નિષ્ફળ રહ્યો છે.
નાગરિકોમાં પણ વહીવટી તંત્ર પ્રત્યે રોષ જોવા મળ્યો
પાલિકાના વહીવટમાં સૌથી મોટો વિરોધાભાસ એ છે કે, જે સભ્યો શહેરના વિકાસની વાતો કરે છે, તેવાપાલિકાના કેટલાક વર્તમાન અને માજી સભ્યો પર પણ બાકી વેરાનો મોટો બોજ છે. જવાબદારો જ જ્યારે વેરો ન ચૂકવતા હોય, ત્યારે સામાન્ય નાગરિકોમાં પણ વહીવટી તંત્ર પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.
આ ગંભીર નિષ્ફળતા અંગે ગોધરા પાલિકાના વસૂલાત વિભાગના અધિકારી સલીમ પઠાણે જણાવ્યું હતું કે, ‘બાકી રહેતી રૂ. ૨૨ કરોડની વસૂલાત માટે હવે વધુ ટીમો તૈયાર કરવામાં આવશે. આગામી દિવસોમાં વેરાવસૂલાતની કામગીરીમાં ગતિ લવાશે.જો કોઈ પણ વ્યક્તિ આ કામગીરીમાં રૂકાવટ ઊભી કરશે અથવા વેરો ભરવામાં આનાકાની કરશે, તો તેનીસામે કાયદેસરની સખત કાર્યવાહી હાથ ધરવામાં આવશે.‘