Last Updated on by Sampurna Samachar
નુપૂર બોરા વિરુદ્ધ જમીન વેચાણ સંબંધિત ફરિયાદો મળી
છેલ્લા છ મહિનાથી નજર રાખવામાં આવી રહી હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
આવક કરતાં વધુ સંપત્તિના કેસમાં અસમ સિવિલ સર્વિસના અધિકારી નુપૂર બોરાની ધરપકડ કરવામાં આવી છે. અસમના મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું કે, નુપૂર બોરા પર છેલ્લા છ મહિનાથી નજર રાખવામાં આવી રહી હતી. મુખ્યમંત્રીના જણાવ્યા અનુસાર, તેમણે હિન્દુઓની જમીન કેટલાક શંકાસ્પદ લોકોને વેચી હતી, જેના બદલામાં તેમને મોટી રકમ મળી હતી.

આ મામલે ગુવાહાટીમાં પત્રકારો સાથે વાત કરતાં મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ જણાવ્યું કે, ‘નુપૂર બોરા વિરુદ્ધ જમીન વેચાણ સંબંધિત ફરિયાદો મળી હતી. આ ફરિયાદોના આધારે છેલ્લા છ મહિનાથી તેમના પર નજર રાખવામાં આવી રહી હતી.
મામલાની તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરાઇ
અસમ સિવિલ સર્વિસના ૨૦૧૯ બેચના અધિકારી નુપૂર બોરા હાલમાં અનેક ગંભીર આરોપોને કારણે ચર્ચામાં છે. મૂળ અસમના ગોલાઘાટ જિલ્લાના રહેવાસી નુપૂર બોરા કામરૂપ જિલ્લાના ગોરોઈમારી વિસ્તારમાં સર્કલ ઑફિસર તરીકે ફરજ બજાવતા હતા.
નુપૂરની ફેસબુક પ્રોફાઇલ મુજબ તેણે ગુવાહાટી યુનિવર્સિટીમાંથી ઇંગ્લિશ લિટરેચરમાં ડિગ્રી મેળવી છે અને કોટન કૉલેજમાં પણ અભ્યાસ કર્યો છે. સિવિલ સર્વિસમાં જોડાતાં પહેલા, તે જિલ્લા શિક્ષણ અને તાલીમ સંસ્થામાં લેકચરર તરીકે કામ કરતા હતા.
તેણે માર્ચ ૨૦૧૯માં કરબી આંગલોંગમાં આસિસ્ટન્ટ કમિશ્નર તરીકે પોતાની વહીવટી કારકિર્દીની શરુઆત કરી અને જૂન ૨૦૨૩ સુધી ત્યાં સેવા આપી. ત્યારબાદ, જૂન ૨૦૨૩માં તેમને બારપેટામાં સર્કલ ઑફિસર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને પછી તેમનું ટ્રાન્સફર કામરૂપમાં કરવામાં આવ્યું.નુપૂર બોરા પર બારપેટામાં ફરજ દરમિયાન ગેરકાયદેસર રીતે કરોડો રૂપિયાની સરકારી અને ધાર્મિક ટ્રસ્ટની જમીનો શંકાસ્પદ લોકોને ટ્રાન્સફર કરવાનો આરોપ છે.
તપાસમાં જાણવા મળ્યું છે કે આમાંની મોટાભાગની જમીનો હિન્દુઓની હતી, જે કથિત રીતે મુસ્લિમોના નામે કરવામાં આવી છે. માત્ર છ વર્ષની નોકરીમાં જ તેમની સંપત્તિમાં અસામાન્ય વધારો થયો હોવાના પણ આરોપો છે.
મુખ્યમંત્રી હિમંતા બિસ્વા સરમાએ આ મામલાની તપાસ માટે એક વિશેષ ટીમની રચના કરી છે. ટીમે નુપૂર બોરાના ઘરે દરોડા પાડતાં લગભગ ૯૦ લાખ રૂપિયાથી વધુ રોકડ અને લગભગ ૧ કરોડ રૂપિયાનું સોનું મળી આવ્યું છે. આમ, તેમની કુલ સંપત્તિ લગભગ ૨ કરોડ રૂપિયા આંકવામાં આવી રહી છે. હાલમાં, નુપૂર બોરા પોલીસ કસ્ટડીમાં છે.