Last Updated on by Sampurna Samachar
આગામી સુનાવણી ૧૨ ફેબ્રુઆરીએ થશે
(સંપૂર્ણ સમાચાર સેવા )
દેશના સ્વતંત્રતા સેનાની નેતાજી સુભાષચંદ્ર બોઝની ૧૨૮મી જયંતિની ઉજવણી થઇ હતી. આ અવસર પર ઓડિશા હાઈકોર્ટમાં એક અરજી દાખલ કરવામાં આવી છે, જેમાં માંગ કરી છે કે બોઝને સત્તાવાર રીતે રાષ્ટ્રપુત્ર ઘોષિત કરવામં આવે.

અરજીમાં આઝાદ હિન્દ ફૌજના સ્થાપના દિવસને નેશનલ ડે ઘોષિત કરવાની માંગ પણ કરવામાં આવી છે. કટકથી સામાજિક કાર્યકર્તા પિનાક પાની મોહંતીએ અરજી દાખલ કરી કહ્યું કે, દેશની આઝાદી માટે નેતાજીના બલિદાનના કારણે તેમને રાષ્ટ્રપુત્ર તરીકે માન્યતા આપવી જોઈએ.
અરજીમાં આઝાદ હિન્દ ફૌજના સ્થાપના દિવસ ૨૧ ઓક્ટોબરને નેશનલ ડે ઘોષિત કરવાની પણ માંગ કરી છે. આ માંગ ઉપરાંત મોગંતીએ પણ માંગ કરી છે કે, નેતાજીના રહસ્યમયી રીતે ગુમ થવાનું સત્ય જાહેર કરવામાં આવે.તેમણે નેતાજી ગુમ થવાને લઈને જસ્ટિસ મુખર્જી આયોગના રિપોર્ટને સાર્વજનિક કરવાની માંગ કરી છે.
આ અગાઉ મોહંતીએ આ મામલા પર પ્રધાનમંત્રી મોદી અને ગૃહ મંત્રાલયને આવેદન આપ્યું હતું પણ ત્યાંથી કોઈ જવાબ ન મળતા તેમણે હાઈકોર્ટમાં અરજી દાખલ કરી. અહીં ઉલ્લેખનિય છે કે, આ મામલા પર ઓડિશા હાઈકોર્ટના કાર્યવાહક જસ્ટિસ અરિંદમ સિન્હા અને જસ્ટિસ મૃગાંક શેખર સાહૂની પીઠ સમક્ષ સુનાવણી થઈ. કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારને નોટિસ જાહેર કરતા તેના પર જવાબ આપવા કહ્યુ છે. આ મામલે આગામી સુનાવણી ૧૨ ફેબ્રુઆરીએ થશે.