Last Updated on by Sampurna Samachar
અફઘાનિસ્તાન એશિયા કપ ૨૦૨૫માંથી બહાર
શ્રીલંકાએ ૬ વિકેટથી મેચ જીતી લીધી
(સંપૂર્ણ સમાચાર સેવા)
એશિયા કપ ૨૦૨૫ના ગ્રુપ B ના છેલ્લા લીગ મેચમાં શ્રીલંકાએ અફઘાનિસ્તાનને હરાવી સુપર ૪માં પહોંચ્યું છે. અબુ ધાબીના શેખ ઝાયદ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં કુસલ મેન્ડિસની શાનદાર ફિફ્ટીના કારણે શ્રીલંકાએ ૬ વિકેટથી મેચ જીતી લીધી. આ હાર સાથે અફઘાનિસ્તાન એશિયા કપ ૨૦૨૫માંથી બહાર થઈ ગયું છે.
આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાની ટીમે ૨૦ ઓવરમાં ૮ વિકેટ ગુમાવીને ૧૬૯ રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકાની ટીમે ૧૮.૪ ઓવરમાં ૪ વિકેટ ગુમાવીને ૧૭૧ રન બનાવીને લક્ષ્ય પ્રાપ્ત કર્યું હતું.
નુવાન તુષારાએ સવર્શ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ તોડ્યો
શ્રીલંકાના રાઈટ હેન્ડ ફાસ્ટ બોલર નુવાન તુષારાએ આ મેચમાં અફઘાનિસ્તાનની બેટિંગ લાઇન-અપની કમર તોડી નાખી હતી. ૩૧ વર્ષીય આ બોલરે ૪ ઓવરમાં ૧૮ રન આપીને ૪ વિકેટ લીધી. નુવાન તુષારાએ ગુરબાઝ, અટલ, જન્નત અને રાશિદ ખાનની વિકેટ લીધી હતી. નુવાન તુષારાએ આ દરમિયાન એશિયા કપ T૨૦માં શ્રીલંકા માટે સવર્શ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ તોડીને ઇતિહાસ પણ રચ્યો છે.
નુવાન તુષારાની પહેલા એશિયા કપ T૨૦ ફોર્મેટમાં શ્રીલંકા માટે સવર્શ્રેષ્ઠ બોલિંગનો રેકોર્ડ લસિથ મલિંગાના નામે હતો. લસિથ મલિંગાએ ૨૫ ફેબ્રુઆરી ૨૦૧૬ના રોજ મીરપુરમાં UAE સામે રમાયેલ એશિયા કપ T૨૦ ૨૦૧૬ના મેચમાં શ્રીલંકાની ટીમ માટે ૪ ઓવરમાં ૨૬ રન આપીને ૪ વિકેટ લીધી હતી.
એશિયા કપ ૨૦૨૨ના T૨૦માં પ્રમોદ મદુશને ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨ના રોજ દુબઈમાં પાકિસ્તાન સામે ૪ ઓવરમાં ૩૪ રન આપીને ૪ વિકેટ લીધી હતી. નુવાન તુષારાએ અફઘાનિસ્તાનની ઇનિંગની ત્રીજી ઓવરના પહેલા બોલે રહેમાનુલ્લાહ ગુરબાઝને આઉટ કરીને પોતાનું ખાતું ખોલ્યું હતું.
રહમાનુલ્લાહ ગુરબાઝ આઠ બોલમાં ૧૪ રન બનાવીને કુસલ પરેરાના હાથે કેચ આઉટ થયો હતો. તુષારાએ તે જ ઓવરના છેલ્લા બોલ પર કરીમ જન્નતને આઉટ કર્યો. કરીમ જન્નત ત્રણ બોલમાં ફક્ત એક રન બનાવી શક્યો હતો.
મેચની પોતાની ત્રીજી ઓવરમાં નુવાન તુષારાએ સેદિકુલ્લાહ અટલને બોલ્ડ કર્યો. સેદિકુલ્લાહ અટલએ ૧૪ બોલનો સામનો કર્યો અને બે ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી ૧૮ રન બનાવ્યા. નુવાન તુષારાએ રાશિદ ખાનને આઉટ કરીને પોતાની વિકેટોની ચાર વિકેટ પૂર્ણ કરી. રાશિદ ૨૪ રન બનાવીને આઉટ થયો હતો.