Last Updated on by Sampurna Samachar
પવિત્ર ગુફા વર્ષમાં, માત્ર બે મહિના માટે ખોલવામાં આવે છે
જાહેર કરાયું નવું સમયપત્રક
(સંપૂર્ણ સમાચાર સેવા)
જમ્મુ કાશ્મીરના રાયસી વિસ્તારના કટરા ખાતે આવેલ માતા વૈષ્ણો દેવી ધામની મુલાકાત લેતા ભક્તો માટે સારા સમાચાર સામે આવ્યા છે. હવે, માઈભક્તો ફક્ત દિવસ દરમિયાન જ નહીં, પરંતુ રાત્રે પણ પવિત્ર ગુફાની મુલાકાત લઈ દર્શન કરી શકશે. હમણાં માતાના દર્શને આવતા ભાવિક ભક્તોએ રાત્રે ૧૦:૩૦ થી ૧૨:૩૦ વાગ્યા સુધી પવિત્ર ગુફાની મુલાકાત લઈને માતાના દર્શન કર્યા હતા.

પવિત્ર પ્રાચીન ગુફા મકરસંક્રાંતિ પર્વે ભાવિક ભક્તોના દર્શન માટે ખોલવામાં આવી હતી અને માર્ચના પહેલા અઠવાડિયા સુધી આ ગુફા ખુલ્લી રાખવામાં આવે તેવી સંભાવના છે. માતા વૈષ્ણો દેવી શ્રાઈન બોર્ડ દ્વારા, મકરસંક્રાંતિના પર્વ ઉપર પૂજા અર્ચના કર્યા પછી પ્રાચીન અને સુવર્ણ ગુફાના દરવાજા માઈ ભક્તો માટે ખોલવામાં આવ્યા હતા.
અંદાજે ૨૦,૦૦૦ ભક્તો માતાના મંદિરના દર્શન કરે છે
ભક્તોની મોટી ભીડને કારણે, પવિત્ર ગુફા અગાઉ મર્યાદિત સમય માટે જ ખુલ્લી રાખવામાં આવતી હતી. હવે, ભક્તો સવારે ૧૦:૧૫ થી બપોરે ૧૨:૦૦ વાગ્યા સુધી અને રાત્રે ૧૦:૩૦ થી બપોરે ૧૨:૩૦ વાગ્યા સુધી મંદિરના દર્શન કરી શકશે.
મીડિયા અહેવાલો અનુસાર, ૨૧મી જાન્યુઆરીના બપોરે ૩:૦૦ વાગ્યા સુધીમાં ૧૩,૦૦૦ થી વધુ ભાવિક ભક્તોએ વૈષ્ણોદેવી માતાના મંદિરની મુલાકાત લીધી હતી. ૨૦ જાન્યુઆરીએ, આશરે ૧૮,૨૦૦ ભક્તોએ મંદિરની મુલાકાત લીધી હતી. શ્રાઇન બોર્ડ અનુસાર, રાત્રે મંદિરના દરવાજા ખોલવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો જેથી વધુ ભક્તો પવિત્ર ગુફાના દર્શન કરી શકે.
માતા વૈષ્ણો દેવીની પવિત્ર ગુફા વર્ષમાં, માત્ર બે મહિના માટે ખોલવામાં આવે છે. ગુફા સામાન્ય રીતે જાન્યુઆરી અને ફેબ્રુઆરી દરમિયાન ખોલવામાં આવે છે, કારણ કે આ સમય દરમિયાન મંદિરમાં ઓછી ભીડ હોય છે. લગભગ ૨૦,૦૦૦ ભક્તો દર્શન માટે દરરોજ મંદિરની મુલાકાત લે છે.
નવેમ્બર ૨૦૨૫ માં, ભક્તોની સુવિધા માટે, શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે ગર્ભગૃહમાં હવન કરવા માટે એક નવી સુવિધા શરૂ કરી. આ સુવિધા હેઠળ, ભક્તો ઓનલાઈન અથવા ઓફલાઈન ફી ચૂકવી શકે છે. હવન ફી પ્રતિ ભક્ત રૂ.૩૧૦૦ અને બે ભક્તો માટે રૂ.૫૧૦૦ નક્કી કરવામાં આવી છે.