Last Updated on by Sampurna Samachar
PM મોદીએ યુક્રેન રાષ્ટ્રપતિને ગત વર્ષે આપ્યુ હતુ આમંત્રણ
આ મુલાકાતથી ટ્રમ્પને લાગી શકે ઝટકો
(સંપૂર્ણ સમાચાર સેવા)
રશિયા- યુક્રેન યુદ્ધ વચ્ચે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સ્કી ભારતની મુલાકાતે આવવાના હોવાના સમાચાર સામે આવ્યા છે. તેની પુષ્ટિ ભારતમાં યુક્રેનના રાજદૂત એલેસ્ઝેન્ડર પોલિશચુકે કરી હતી. તેમણે જણાવ્યું કે ઝેલેન્સ્કી જલદી ભારત આવશે. તેમના પ્રવાસની તારીખો જોકે હજુ જાહેર થઈ નથી. આ અંગે હાલ બંને દેશો વચ્ચે વાતચીત ચાલુ છે. ઝેલેન્સ્કીના આવવાના સમાચાર એવા સમયે આવ્યા છે કે જ્યારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમિર પુતિનના આવવાની પુષ્ટિ પહેલેથી જ થઈ ગઈ છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગત વર્ષ ઓગસ્ટમાં પોતાની કીવ યાત્રા દરમિયાન યુક્રેની રાષ્ટ્રપતિને ભારત આવવાનું નિમંત્રણ આપ્યું હતું. ઝેલેન્સ્કીના આ સંભવિત પ્રવાસને PM મોદીના તે નિમંત્રણ સાથે જોડવામાં આવી રહ્યું છે. ૨૩ ઓગસ્ટ ૨૦૨૪ના રોજ પ્રધાનમંત્રીએ યુક્રેનનો ઐતિહાસિક પ્રવાસ કર્યો હતો. તેમણે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી હતી. બંને નેતાઓની અનેકવાર આંતરરાષ્ટ્રીય શિખર સંમેલનોમાં મુલાકાત થઈ ચૂકી છે.
PM મોદી હંમેશાથી બંને દેશો વચ્ચે શાંતિના હિમાયતી રહ્યા
પોલીશચુકે કહ્યું કે ભારત અને યુક્રેન વચ્ચે ભવિષ્યની રણનીતિક ભાગીદારીની જાહેરાત સંબંધે, મારો વિશ્વાસ કરો, અમારી પાસે અનેક ક્ષમતાઓ છે. ભારતીય પ્રધાનમંત્રીએ ઝેલેન્સ્કીને ભારત આવવા માટે આમંત્રણ આપ્યું. બંને પક્ષ આ અંગે કામ કરી રહ્યા છે. અમે ચોક્કસપણે રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીના ભારતમાં આવવાની આશા રાખીએ છીએ. તે આપણા દ્વિપક્ષીય સંબંધોમાં એક મોટી ઉપલબ્ધી હશે. અમે એક સટીક તારીખ પર સહમત થવાની કોશિશ કરી રહ્યા છીએ.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ટેરિફ બોમ્બ ઝીંક્યા બાદ અને પાછો ૫૦ ટકા સુધીનો ટેરિફ લગાવ્યા બાદ PM મોદી સતત એક્શન મોડમાં છે. રશિયા સાથે ભારતનો સંબંધ ઘણો જૂનો છે. બંને દેશો વચ્ચે સારો સમન્વય પણ છે. PM મોદી અને પુતિનની મિત્રતા પણ જગજાહેર છે. જે અમેરિકાને પસંદ નથી. તેણે રશિયા પાસેથી ઓઈલની ખરીદીને લઈને ભારત પર ટેરિફ નાખ્યો છે. અમેરિકી રાષ્ટ્રપતિએ હાલમાં જ પુતિન અને ઝેલેન્સ્કી સાથે મુલાકાત કરી છે. પરંતુ આ યુદ્ધ તેઓ સમાપ્ત કરી શક્યા નહીં. હવે દુનિયાની નજર ભારત પર છે. જો પુતિન અને ઝેલેન્સ્કીના ભારત આવવાથી શાંતિ સ્થપાય તો આ એક મોટી ઉપલબ્ધિ હશે. PM મોદી હંમેશાથી બંને દેશો વચ્ચે શાંતિના હિમાયતી રહ્યા છે.