હવે નકલી પાસપોર્ટ કે વિઝા સાથે પકડાનારા પર થશે લાખોનો દંડ

Share this Article:

Last Updated on by Sampurna Samachar

સંસદમાં ઈમિગ્રેશન બિલને મળી ગઇ મંજુરી

વિદેશીઓ અંગે માહિતી આપવાની જોગવાઈ ફરજિયાત કરાઇ

(સંપૂર્ણ સમાચાર સેવા)

સંસદમાં નવા ઈમિગ્રેશન બિલને મંજૂરી મળી ગઈ છે, જેને પગલે હવે ભારતમાં પ્રવેશ કરવા, રહેવા અથવા બહાર જવા માટે નકલી પાસપોર્ટ અથવા વીઝાનો ઉપયોગ કરનારા પર આકરી કાર્યવાહી થશે. બિલની જોગવાઈઓ હેઠળ આ પ્રકારનું ફ્રોડ કરનારાને સાત વર્ષ સુધીની જેલની સજા અને રૂ. ૧૦ લાખ સુધીનો દંડ થઈ શકે છે. આ સાથે હવે કેન્દ્રને વિદેશીઓના આવાગમન અંગે વધુ અધિકારો મળશે, જેમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવો, જતા રોકવા, વિશિષ્ટ ક્ષેત્રો સુધી પહોંચને પ્રતિબંધિત કરવાની શક્તિઓનો સમાવેશ થાય છે.

કેન્દ્રીય ગૃહમંત્રાલયની દેખરેખમાં તૈયાર કરવામાં આવેલા ઈમિગ્રેશન (Immigration) અને ફોરેનર્સ બિલમાં હોટેલો, યુનિવર્સિટીઓ, અન્ય શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો અને નર્સિંગ હોમ દ્વારા વિદેશીઓ અંગે માહિતી આપવાની જોગવાઈ ફરજિયાત કરાઈ છે.

બિલ ગત ૧૧ માર્ચે લોકસભામાં રજૂ કરાયું હતું

આ માધ્યમથી નિશ્ચિત સમય કરતાં વધુ સમય સુધી આવી સંસ્થાઓમાં રોકાનારા વિદેશીઓ પર નિરીક્ષણ રાખવામાં આવશે. એ જ પ્રકારે બધી જ આંતરરાષ્ટ્રીય એરલાઈન્સ અને જહાજોને ભારતમાં કોઈપણ બંદર અથવા અન્ય સ્થળ પર પ્રવાસીઓ અને ક્રૂની યાદી જમા કરાવવી પડશે.

આ બિલ ગત ૧૧ માર્ચે લોકસભામાં રજૂ કરાયું હતું. તેની જોગવાઈઓ મુજબ જે કોઈપણ નકલી પાસપોર્ટ અથવા અન્ય પ્રવાસ દસ્તાવેજ અથવા વીઝાનો ઉપયોગ ભારતમાં પ્રવેશ કરવા અથવા અહીં રહેવા અથવા ભારતમાંથી બહાર જવા માટે કરશે, તેને ઓછામાં ઓછી બે વર્ષની સજા કરાશે. આ સજા સાત વર્ષ સુધી વધારી શકાશે. વધુમાં આવા લોકોને ઓછામાં ઓછા રૂ. ૧ લાખથી મહત્તમ રૂ. ૧૦ લાખ સુધીનો દંડ થઈ શકે છે.

કોઈપણ વિદેશી કાયદેસરના પાસપોર્ટ અથવા અન્ય પ્રવાસ દસ્તાવેજ વિના ભારતના કોઈપણ ક્ષેત્રમાં પ્રવેશ કરે અને ત્યાંના માટે કાયદેસરના દસ્તાવેજ જરૂરી હોય તો નિયમ ભંગ પર પાંચ વર્ષ સુધીની જેલ અને રૂ. ૫ લાખ સુધીના દંડ તથા બંનેનો દંડ થઈ શકશે.

આવાગમન, રોકાવા અને વીઝા સિવાય ભારતમાં કેટલાક એવા ક્ષેત્ર છે, જ્યાં વિદેશીઓએ પ્રવાસ કરવા માટે વિશેષ મંજૂરીની જરૂર હોય છે. તેમાં પૂર્વોત્તરના ક્ષેત્રના અનેક રાજ્યો, સમગ્ર અંદામાન અને નિકોબાર તથા જમ્મુ-કાશ્મીર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગનો સમાવેશ થાય છે.

આ બિલનો આશય ભારતના ઈમિગ્રેશન નિયમોને મજબૂત કરવાનો છે. તે કેન્દ્ર સરકારને એવા સ્થળો પર નિયંત્રણ અને કાર્યવાહીનો અધિકાર આપે છે જ્યાં વિદેશીઓની અવર-જવર વધુ રહે છે. તેના હેઠળ કોઈ સંસ્થાનના માલિકને પરિસર બંધ કરવા, નિર્દિષ્ટ શરતો હેઠળ તેના ઉપયોગની મંજૂરી આપવા અને વિદેશીઓને પ્રવેશ આપવાનો ઈન્કાર કરવાનો અધિકાર અપાયો છે. ઈમિગ્રેશન અને વિદેશી બિલ-૨૦૨૫ વિદેશીઓ અને ઈમિગ્રેશન સંબંધિત બધી જ બાબતોના સંચાલન માટે એક વ્યાપક કાયદાનું રૂપ લેશે.

આ કેસોને હાલમાં ચાર કાયદાના માધ્યમથી સંભાળવામાં આવતા હતા. હવે નવું ઈમિગ્રેશન બિલ ચાર જૂના કાયદાઓનું સ્થાન લેશે, જેમાં પાસપોર્ટ (ભારતમાં પ્રવેશ) કાયદો-૧૯૨૦, વિદેશીઓની નોંધણી કાયદો ૧૯૩૯, વિદેશી કાયદો – ૧૯૪૬ અને ઈમિગ્રેશન (કેરિયર્સ લાયેબિલિટી) કાયદો ૨૦૦૦ નો સમાવેશ થાય છે. આ ચારેય કાયદા રદ થઈ જશે અને હવે નવો ઈમિગ્રેશન કાયદો લાગુ થશે.

Share this Article:

Posted By: 

Sampurna Samachar is the fastest-growing Daily Gujarati news Paper and Gujarati News in Gujarat since 2010. Flagship Brand Sampurna Samachar, which bring its dedicated readers the most reliable, authentic and unbiased news among every Gujarati news site. It provides more diverse multimedia content than other linguistic sites. Its dedicated online editorial team delivers exclusive and comprehensive content every day. Besides this, numerous numbers of news from the broad network of Sampurna Samachar Newspapers are available to the Gujarati speaking people who live globally. Our site is updated 24 hours a day so that every core event can reach our readers instantly.