Last Updated on by Sampurna Samachar
ધો.૧૦ ના વિદ્યાર્થીઓ માટે CBSE નો મોટો નિર્ણય
બીજી વાર લેનાર પરીક્ષામાં વૈકલ્પિક હશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
ધોરણ.૧૦ ની તૈયારી કરતા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ (CBSE) એ ૨૦૨૬ થી ધોરણ ૧૦ ની બોર્ડ પરીક્ષામાં મોટો ફેરફાર કરવાની જાહેરાત કરી છે. હવે વિદ્યાર્થીઓને વર્ષમાં બે વખત પરીક્ષામાં બેસવાની તક મળશે. જેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓ પરથી દબાવ ઘટાડવાનો અને તેને સારૂ પ્રદર્શન કરવાની બીજી તક આપવાનો છે.
CBSE પરીક્ષા નિયંત્રક સંયમ ભારદ્વાજે માહિતી આપી છે કે હવે ૧૦ મા ધોરણની બોર્ડ પરીક્ષા બે તબક્કામાં લેવામાં આવશે, પહેલો તબક્કો ફેબ્રુઆરીમાં અને બીજો મેમાં યોજાશે. પરંતુ તેમાં એક ખાસ વાત છે કે પ્રથમ પરીક્ષામાં બધા વિદ્યાર્થીઓએ ફરજીયાત સામેલ થવું પડશે. બીજી પરીક્ષા વૈકલ્પિક હશે. એટલે કે જો કોઈ વિદ્યાર્થી પોતાના પ્રથમ પ્રયાસમાં મળેલા માર્કસથી સંતુષ્ટ નથી તો તે બીજી પરીક્ષામાં બેસી શકે છે.
બીજા તબક્કાની પરીક્ષામાં માર્કસ વધારી શકે
CBSE નો આ ર્નિણય નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP ૨૦૨૦) ની ભલામણ અનુસાર લેવામાં આવ્યો છે. તેનો ઈરાદો વિદ્યાર્થીઓને ફ્લેક્સિબલ અને તણાવમુક્ત વાતાવરણ આપવાનો છે, જેથી તે પોતાની ભૂલમાંથી શીખી સુધાર કરી શકે. બોર્ડનું માનવું છે કે એકવારની પરીક્ષાથી કોઈ વિદ્યાર્થીની પ્રતિભાનું મૂલ્યાંકન ન કરી શકાય.
સંયમ ભારદ્વાજના મતે, ધોરણ ૧૦ ના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષાના પ્રથમ તબક્કામાં હાજર રહેવું જરૂરી છે. જ્યારે, બીજો તબક્કો વૈકલ્પિક છે. જોકે, વિદ્યાર્થીઓ બીજા તબક્કાની પરીક્ષામાં હાજર રહીને તેમના ગુણ વધારી શકે છે. વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક વર્ષમાં તેમના ગુણ સુધારવાની આ એક સારી તક છે.