Last Updated on by Sampurna Samachar
અમિત શાહ તરફથી મંત્રી નિત્યાનંદ રાયે બિલ રજુ કર્યુ
વિદેશીઓના આગમન પર રજિસ્ટ્રેશન ફરિજ્યાત બનશે
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયે લોકસભામાં ઈમિગ્રેશન એન્ડ ફોરેનર્સ બિલ ૨૦૨૫ રજૂ કર્યું છે. આ બિલનો ઉદ્દેશ ભારતમાં વિદેશીઓ માટે ઘડાયેલા કાયદાઓની ખામી દૂર કરી સુધારાઓ કરવાનો છે. આ નવા બિલને સંસદમાં મંજૂરી મળી તો તે ફોરેનર્સ એક્ટ, ૧૯૪૬, પાસપોર્ટ (એન્ટ્રી ઈનટુ ઈન્ડિયા) એક્ટ, ૧૯૨૦, રજિસ્ટ્રેશન ઓફ ફોરેનર્સ એક્ટ, ૧૯૩૯ અને ઈમિગ્રેશન (કરિયર લાયબિલિટી) એક્ટ, ૨૦૦૦નું સ્થાન લેશે. આ બિલનો ઉદ્દેશ રાષ્ટ્રીય સુરક્ષામાં વધારો કરવા, ઈમિગ્રેશન પર નિયંત્રણો લાદવા તેમજ વિદેશીઓના પ્રવેશ અને રોકાણ શરતોને વધુ કડક બનાવવાનો છે.
કેન્દ્રીય રાજ્ય ગૃહ મંત્રી નિત્યાનંદ રાયે દેશના ગૃહ મંત્રી અમિત શાહ તરફથી આ બિલ રજૂ કરતાં કહ્યું હતું કે, હું અમિત શાહ તરફથી પ્રસ્તાવ મૂકી રહ્યો છું કે, ભારતમાં પ્રવેશ અને બહાર જનારા વ્યક્તિઓના પાસપોર્ટ અને દસ્તાવેજોની જરૂરિયાતોને નિર્ધારિત કરતાં કેન્દ્ર સરકાર અમુક સત્તાઓ સોંપશે, તેમજ વિદેશીઓ દ્વારા ઈમિગ્રેશન કાયદાનો ભંગ ન થાય તેનું ધ્યાન રાખતી જોગવાઈઓ ઘડવામાં આવશે. જેમાં વિઝા અને રજિસ્ટ્રેશનની જરૂરિયાત સામેલ છે.
નિયમોનું ભંગ કરનારાઓ માટે ભારે દંડની જોગવાઈ
ઈમિગ્રેશન અને ફોરેનર્સ બિલમાં જો કોઈ વિદેશી દ્વારા રાષ્ટ્રની સુરક્ષા, સાર્વભૌમત્વ, અને પ્રમાણિકતા પર જોખમ ઉભુ થાય તો તેવા વિદેશી નાગરિકને દેશમાં પ્રવેશ આપવામાં આવશે નહીં. વધુમાં વિદેશીઓના આગમન પર રજિસ્ટ્રેશન ફરિજ્યાત બનાવાશે. જેથી તેઓ પ્રતિબંધિત અને સુરક્ષિત વિસ્તારોની મુલાકાત રજિસ્ટ્રેશનના આધારે લઈ શકે. પ્રત્યેક શૈક્ષણિક સંસ્થાઓ, હોસ્પિટલો, અને નર્સિંગ હોમ્સે પોતાને ત્યાં દાખલ વિદેશી નાગરિકની માહિતી અવશ્યપણે ઈમિગ્રેશન ઓથોરિટીને આપવી પડશે.
આ બિલમાં નિયમોનું ભંગ કરનારાઓ માટે ભારે દંડની જોગવાઈ છે. ભારતમાં પાસપોર્ટ તથા વિઝઆ વિના પ્રવેશ પાંચ વર્ષની જેલની સજા અને રૂ. પાંચ લાખ સુધીનો દંડ થઈ શકે છે. નકલી ડોક્યુમેન્ટ્સ પર પ્રવેશ કરનારાઓને બેથી સાત વર્ષની જેલની સજા તથા રૂ. એકથી દસ લાખ સુધીનું દંડ થઈ શકે છે. વિઝાની શરતોનું ઉલ્લંઘન કરવા તેમજ પ્રતિબંધિત વિસ્તારોમાં ઘૂસણખોરીના બદલે ત્રણ વર્ષની સજા અને રૂ. ૩ લાખનો દંડ થઈ શકે છે.
ચંદીગઢમાંથી કોંગ્રેસ સાંસદ મનિષ તિવારીએ બિલનો વિરોધ કરતાં દાવો કર્યો છે કે, આ બિલ દેશના બંધારણમાં સામેલ મૌલિક અધિકારોનું ઉલ્લંઘન કરે છે. લોકસભાના કામકાજના નિયમો ૭૨ (૨) હેઠળ હું ઈમિગ્રેશન અને ફોરેનર્સ બિલનો વિરોધ કરૂ છું. લોકસભાની પ્રકિર્યા અને કામકાજના નિયમોનો નિયમ ૭૨ (૧) બે રીતે વિચાર કરી શકે છે. એક બિલનો સરળ વિરોધ તથા બીજો કાયદાકીય અસમર્થતાના આધારે વિરોધ. ટીએમસી સાંસદ સૌગત રાયે પણ આ બિલનો વિરોધ કર્યો કે, હું આ બિલનો વિરોધ કરૂ છું. દેશમાં પહેલાંથી જ વિદેશીઓના પ્રવેશ અને રોકાણ માટે ચાર બિલ છે.