Last Updated on by Sampurna Samachar
સરકાર Model Tenancy Act ને સમગ્ર દેશમાં લાગુ કરશે
ભાડુઆતને મોટી રાહત!
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં ઘણા લોકો એવા છે, જેમની પાસે પોતાનું મકાન હોતું નથી. તેથી તેમને ભાડાના મકાનમાં રહેવું પડે છે. તો ઘણા લોકો એવા છે, જેઓ કામ કે અન્ય કારણોસર બીજા શહેરમાં રહે છે. ત્યાં તેમને ભાડાના મકાનમાં રહેવું પડે છે. પરંતુ ભાડે રહેનારાઓ માટે ઘણી એવી વસ્તુઓ છે, જે તેમના માટે હંમેશા મુશ્કેલીનું કારણ બનતી જોવા મળે છે.

આમાં સૌથી મોટી સમસ્યા એ છે કે મકાનમાલિક પોતાની મરજી મુજબ સિક્યોરિટી ડિપોઝિટ અને ભાડું નક્કી કરી દે છે. ક્યાંક ૫-૬ મહિનાની સિક્યોરિટી લેવામાં આવે છે, તો ક્યાંક અચાનક ભાડું વધારી દેવામાં આવે છે. પરંતુ હવે આવું નહીં થાય, સિક્યોરિટી ડિપોઝિટ મકાનમાલિક પોતાની મરજી મુજબ વસૂલી શકશે નહીં. સરકારે આ માટે નિયમો નક્કી કર્યા છે.
ભાડુઆત અને મકાનમાલિક બંનેને પારદર્શિતા મળશે
મકાનમાલિકો મનમાની નહીં કરી શકે – અત્યારે દેશમાં ઘણા મકાનમાલિક એવા છે, જે સિક્યોરિટી ડિપોઝિટ તરીકે પોતાની મરજી મુજબ રકમ વસૂલે છે. આના પર કાબૂ મેળવવા માટે સરકાર Model Tenancy Act ને આખા દેશમાં લાગુ કરવા પર ભાર આપી રહી છે.
નવા રેન્ટ નિયમો ૨૦૨૫માં સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે હવે સિક્યોરિટી ડિપોઝિટની મર્યાદા (લિમિટ) નક્કી થઈ જશે. મકાનનું ભાડું મરજી મુજબ વધારી શકાશે નહીં અને કોઈને કોઈ કારણ વગર મકાનમાંથી કાઢી શકાશે નહીં. આ ફેરફાર ભાડુઆતો માટે મોટી રાહત લઈને આવ્યો છે.
નવા નિયમમાં શું છે?
– નવા નિયમ મુજબ રેસિડેન્શિયલ પ્રોપર્ટી (મકાન) માટે મહત્તમ ૨ મહિનાનું ભાડું જ સિક્યોરિટી તરીકે રાખી શકાશે. તો દુકાન કે ઓફિસ જેવી કોમર્શિયલ સ્પેસ માટે આ મર્યાદા (લિમિટ) ૬ મહિનાની રાખવામાં આવી છે. આનાથી ભાડુઆત પર અચાનક મોટી રકમ જમા કરાવવાનું દબાણ ઘટશે અને ભાડે મકાન લેવું પહેલા કરતાં વધુ સરળ બનશે. ઘણી વખત લોકો સિક્યોરિટી રકમના કારણે જ મકાન ભાડે લેવાથી પાછળ હટી જતા હતા.
Model Tenancy Act પછી લેખિત ભાડા કરાર હવે ફરજિયાત બની ગયો છે. આ કરારમાં ભાડું, તેને વધારાની રીત, સમારકામની જવાબદારી, નોટિસ પીરિયડ અને ભાડાનો સમયગાળો જેવી બાબતો સ્પષ્ટ લખેલી હોવી જરૂરી છે. આ કરાર બન્યાના ૬૦ દિવસની અંદર રેન્ટ ઓથોરિટીમાં જમા કરાવવો પડશે.
સાથે જ રાજ્યોએ એક ઓનલાઈન પ્લેટફોર્મ પણ તૈયાર કરવાનું રહેશે, જ્યાં ભાડા કરાર ડિજિટલ સ્વરૂપે નોંધણી કરાવી શકાશે. આ રેકોર્ડ કાયદેસર માન્ય ગણાશે અને કોઈ વિવાદ થાય તો આ સૌથી મોટો પુરાવો બનશે. આનાથી ભાડુઆત અને મકાનમાલિક બંનેને પારદર્શિતા મળશે અને પછીથી કોઈ પક્ષ પોતાની મરજી મુજબ શરતો બદલી નહીં શકે.