Last Updated on by Sampurna Samachar
‘માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ’ દ્વારા નિયમોમાં ફેરફાર
RFID કાર્ડ મળ્યા પછી સમયમર્યાદાનો અમલ
(સંપૂર્ણ સમાચાર સેવા)
માતા વૈષ્ણોદેવીના દર્શને જવાનું વિચારી રહેલા શ્રદ્ધાળુઓ માટે એક મહત્ત્વના સમાચાર છે. દર વર્ષે ઉમટી પડતી ભારે ભીડને કારણે‘ શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડ‘ દ્વારા યાત્રાના નિયમોમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બોર્ડના જણાવ્યા અનુસાર, આ ર્નિણયનો હેતુ ભક્તોની યાત્રાને વધુ સુરક્ષિત અને સરળ બનાવવાનો છે.

નવા નિયમો મુજબ, હવે શ્રદ્ધાળુઓ RFID કાર્ડ મેળવી યાત્રા સરળ બનાવી શકશે. જ્યાં કાર્ડ મેળવ્યાના ૧૦ કલાકની અંદર પોતાની યાત્રા શરૂ કરવી પડશે. આટલું જ નહીં, દર્શન કર્યા બાદ ૨૪ કલાકની અંદર કટડા બેઝ કેમ્પમાં પરત ફરવું પણ ફરજિયાત રહેશે. આ નિયમ તાત્કાલિક અસરથી લાગુ કરી દેવામાં આવ્યો છે.
હવે યાત્રા દરમિયાન કડક સમયમર્યાદાનું એલાન
શ્રી માતા વૈષ્ણોદેવી શ્રાઇન બોર્ડે સ્પષ્ટ કર્યું છે કે, યાત્રાનો નવો સમય મર્યાદાનો નિયમ દરેક શ્રદ્ધાળુ માટે સમાન રીતે લાગુ પડશે. ભલે શ્રદ્ધાળુઓ પગપાળા યાત્રા કરતા હોય અથવા હેલિકોપ્ટર, બેટરી કાર, ઘોડા કે પાલખી જેવી સુવિધાઓનો ઉપયોગ કરતા હોય, તમામ યાત્રાના પ્રકારો માટે નિર્ધારિત સમયમાં મુસાફરી પૂર્ણ કરવી હવે ફરજિયાત રહેશે.
મુસાફરોની સુવિધા અને જાગૃતિ માટે રજીસ્ટ્રેશન સેન્ટર પર તૈનાત કર્મચારીઓને ખાસ સૂચના આપવામાં આવી છે કે તેઓ કટડા પહોંચતા દરેક યાત્રીને આ નવા ફેરફારો અને સમય મર્યાદા વિશે વારંવાર માહિતગાર કરે, જેથી કોઈ પણ ભક્તને યાત્રા દરમિયાન મુશ્કેલીનો સામનો ન કરવો પડે.
અગાઉ RFID કાર્ડ મેળવ્યા પછી યાત્રા શરૂ કરવાની કોઈ કડક સમય મર્યાદા નહોતી. ભક્તો પોતાની અનુકૂળતા મુજબ ગમે ત્યારે યાત્રા શરૂ કરી શકતા હતા અને પરત ફરવા માટે પણ કોઈ નિશ્ચિત સમય નહોતો. જેના કારણે ઘણા લોકો ‘ભવન‘ વિસ્તારમાં લાંબો સમય રોકાઈ જતા હતા, પરિણામે ટ્રેક પર ભીડ વધી જતી અને અન્ય યાત્રીઓને મુશ્કેલી પડતી હતી.
નવા વર્ષના ૩-૪ દિવસ પહેલા કટડામાં શ્રદ્ધાળુઓની સંખ્યા વધી જાય છે. ટ્રેક પર વધુ પડતી ભીડને કારણે સુરક્ષા અને કટોકટીના સમયે મદદ પહોંચાડવી મુશ્કેલ બને છે. આથી, ‘ટાઇમ-બેઝ્ડ સિસ્ટમ‘ દ્વારા ભીડને યોગ્ય રીતે મેનેજ કરવામાં આવશે.
નવા નિયમોના અમલીકરણથી વૈષ્ણોદેવીના ટ્રેક પર ભીડનું વ્યવસ્થિત સંચાલન થશે, જેના પરિણામે ટ્રાફિકમાં નોંધપાત્ર ઘટાડો આવશે અને શ્રદ્ધાળુઓ માટે યાત્રા વધુ સરળ અને સુગમ બનશે. આ વ્યવસ્થાનો સૌથી મોટો ફાયદો એ થશે કે ખરાબ હવામાન અથવા કોઈ શ્રદ્ધાળુની તબિયત લથડવા જેવી કટોકટીની સ્થિતિમાં વહીવટીતંત્ર દ્વારા ઝડપી તબીબી સહાય પહોંચાડી શકાશે.
આ ઉપરાંત, સમય મર્યાદા નક્કી થવાથી શ્રદ્ધાળુઓએ કડકડતી ઠંડીમાં લાંબો સમય રોકાવું નહીં પડે, જે ખાસ કરીને વૃદ્ધો, બાળકો અને મહિલાઓની સુરક્ષા અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ આશીર્વાદરૂપ સાબિત થશે.યાત્રીઓની સુવિધા માટે કટડા રેલ્વે સ્ટેશન પર આવેલું રજીસ્ટ્રેશન સેન્ટર હવે રાત્રે ૧૨ વાગ્યા સુધી ખુલ્લું રહેશે. આનાથી મોડી રાત્રે પહોંચતા મુસાફરોને પણ રાહત થશે અને લાંબી લાઈનોમાં ઊભા રહેવું નહીં પડે.