Last Updated on by Sampurna Samachar
ગુજરાતનું પ્રથમ આધુનિક શ્વાન મુક્તિધામ શરૂ
અમદાવાદમાં ડોગ ક્રિમેટોરિયમ કાર્યરત કરાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સીએનસીડી વિભાગ દ્વારા ગુજરાતમાં પેટ ડોગ ઓનર્સ માટે સૌ પ્રથમવાર કોર્પોરેશન સંચાલિત CNG બેઝ્ડ ક્રિમેટોરિયમ મશીન પેટ ડોગ્સની અંતિમવિધિની સુવિધા માટે કાર્યરત કરવામાં આવ્યું છે. સમગ્ર દેશમાં કોર્પોરેશન સંચાલિત શહેરી વિસ્તારમાં પણ આ પ્રથમ પેટ ડોગ ક્રિમેટોરિયમ છે.

ભારત સરકાર દ્વારા પ્રસિદ્ધ થયેલા એબીસી રૂલ્સ–૨૦૨૩ તથા NAPRE–૨૦૩૦ મુજબ રખડતા શ્વાનના રસીકરણ અને ખસીકરણ, પેટ ડોગ રજિસ્ટ્રેશન, બીમાર શ્વાનની તબીબી સારવાર, ડેડીકેટ ફીડીંગ સ્પોટ, વેલ્ફેર પ્રવૃત્તિઓ, સારવાર તથા સાર-સંભાળ જેવી વિવિધ કામગીરી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સતત અમલમાં મુકાઈ રહી છે. આ જ નિયમોના અનુસંધાને મૃત પેટ ડોગ્સના અંતિમ સંસ્કાર વૈજ્ઞાનિક પદ્ધતિથી કરી સદગત જીવાત્માને સન્માનપૂર્વક અંતિમ વિદાય આપવાની સુવિધા AMC દ્વારા શરૂ કરવામાં આવી છે.
એક સમયે ત્રણ ડોગના અંતિમ સંસ્કાર કરવાની ક્ષમતા
અમદાવાદ શહેરમાં CNCD ABC સેન્ટર, જમાલપુર ચાર રસ્તાથી ખોડિયારનગર ચાર રસ્તા રોડ, સુએઝ પંપિંગ સ્ટેશન કેમ્પસ, બહેરામપુરા ખાતે નોર્થ ઇસ્ટ મશીન કરમસદ એજન્સી દ્વારા રૂ.૩૦ લાખના ખર્ચે CNG ગેસ સંચાલિત ડોગ ક્રિમેટોરિયમ કાર્યરત કરાયું છે. આ ઉપરાંત, શ્વાનના ખસીકરણ ઓપરેશન દરમિયાન નીકળતા ઓર્ગનના નાશ માટે નાનું ઓર્ગન ક્રિમેટર મશીન છેલ્લા બે વર્ષથી સફળતાપૂર્વક કાર્યરત છે.
આ ગેસ ફાયર્ડ ડોમેસ્ટિક ડોગ ક્રિમેટર એક સમયે ત્રણ ડોગના અંતિમ સંસ્કાર કરવાની ક્ષમતા ધરાવે છે. તેમાં પ્રાઇમરી અને સેકન્ડરી ચેમ્બર હોવાથી દહન પ્રક્રિયા દરમિયાન ચિમનીમાંથી કોઈ દુર્ગંધ બહાર આવતી નથી. મશીનમાં મહત્તમ ૮૫૦ ડિગ્રી સેન્ટિગ્રેડ તાપમાન સુધી કામગીરી શક્ય છે અને સામાન્ય રીતે ૮૦૦°C થી ૯૦૦°C તાપમાને દહન પ્રક્રિયા થાય છે.
બે ડોગના અંતિમ સંસ્કાર માટે આશરે ૧૪ યુનિટ નેચરલ ગેસનો ઉપયોગ થાય છે, જ્યારે એક ડોગ માટે અંદાજે રૂ.૭૦૦ જેટલો ખર્ચ આવે છે. આ મશીન પર્યાવરણીય માપદંડોને અનુરૂપ, સ્મોક ઓડરલેસ અને કલરલેસ તેમજ એન્વાયરમેન્ટ ફ્રેન્ડલી છે. મશીનમાં ઓટોમેટ ટ્રોલી સિસ્ટમ દ્વારા મૃત પ્રાણીને અડ્યા વગર પ્લેટફોર્મ સિસ્ટમથી ક્રિમેટર મશીન સુધી લઈ જવાની સુવિધા ઉપલબ્ધ છે.
હ્યુમન ક્રિમેટોરિયમના ધોરણે અહીં અંતિમવિધિ માટે માનવસંવેદનશીલ વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે. CCTV સુવિધા હોવાના કારણે પેટ ડોગ ઓનર પોતાના ઘરે બેઠા પોતાના પેટ ડોગની અંતિમવિધિ જોઈ શકે છે. મૃત શ્વાનના પરિવારજનો માટે ૬ સિટિંગ બાકડાની વ્યવસ્થા છે, તેમજ પેટ ડોગની અંતિમવિધિ પૂર્ણ થયા બાદ પેટ ડોગની અસ્થિ/રાખને માટલીમાં ભરી લાલ કપડામાં મૂકીને સન્માનપૂર્વક પેટ ડોગ ઓનરને તેમના ઘરે સુધી આપવાની સુવિધા છે.
આ ક્રિમેટેરિયમના ઉપયોગની પ્રક્રિયા સરળ છે, જેમાં પેટ ડોગનાં મૃત્યુ અંગે ૧૫૫૩૦૩ પર ફોન કરી જાણ કરવાની હોય છે, તેમજ પેટ ડોગના રજિસ્ટ્રેશનની રસીદ મોકલવાની રહે છે. આ ઉપરાંત ખાતાની અંતિમ ધામ જીવ સેવા રથ, ફુલહાર, પૂજા સામગ્રી સાથે મૃત ડોગ્સનાં સ્થળ પર માલિકની મુલાકાત લઇ પેટ ડોગ્સની વિધિવત માલિક દ્વારા તેના ઘરે પૂજા વિધિ, ફુલહાર કરી પેટ ડોગને સન્માનપૂર્વક ક્રિમેટોરિયમ ખાતે લાવવામાં આવે છે.

માલિક ઇચ્છે તો ક્રિમેશનની વિધિમાં સામેલ રહી શકે છે. જાે પેટ ડોગનું રજિસ્ટ્રેશન થયેલ ન હોય તો તેવા માલિકો માટે ઓનલાઈન માધ્યમથી રજિસ્ટ્રેશન/શ્વાન સેવા ડોનેશન કરવા માટેની સુવિધા ઉપલબ્ધ કરાઇ છે. પરિવારજનો માટે ફોટો અથવા વીડિયો તેમજ પેટ ડોગના મૃત્યુનું પ્રમાણપત્ર અને વાર્ષિક પુણ્યતિથિ નિમિતે યાદગીરી સંદેશ આપવાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે.
આ ગેસ ફાયર્ડ ડોગ ક્રિમેટર અપનાવવાનું મુખ્ય કારણ એ છે કે, અકસ્માતથી કે કુદરતી રીતે શ્વાનનું મૃત્યુ થવા પર જમીનમાં દફનાવવાથી જમીન પ્રદૂષિત થાય છે અને વિવિધ રોગો ફેલાવાનો ભય રહે છે, તેમજ પૂરતી જગ્યા પણ ઉપલબ્ધ હોતી નથી. પાલતુ તેમજ શેરીનાં કુતરાઓમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાઇરસ, હડકવા જેવા વાઇરસ જોવા મળતા હોય છે. ત્યારે આ ક્રિમેશન પ્રક્રિયા દ્વારા કેનાઇન ડિસ્ટેમ્પર જેવા વાઈરસનો નાશ થતો હોવાથી અન્ય ડોગ્સમાં સંક્રમણનો ખતરો પણ ટળે છે.
આ ઉપરાંત પેટ ડોગ માલિકો કે જે પોતાના ડોગને માટે ખુબ જ લાગણી રાખે છે અને તેને પરિવારના સભ્યની જેમ રાખતા હોવાથી તેમના અવસાન સમયે સન્માનપૂર્વક અંતિમ સંસ્કારની વ્યવસ્થા ખૂબ જ જરૂરી બની છે. આ જરૂરિયાતને ધ્યાને લઈ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ સુવિધા ઉભી કરવામાં આવી છે.
ભવિષ્યમાં તેની ઉપયોગિતા અને માંગને ધ્યાનમાં રાખી વધુ બે નવા ડોગ ક્રિમેટોરિયમ સ્થાપવાનું આયોજન પણ કરવામાં આવશે. શહેરમાં ૧૬૮૪૩ પેટ ડોગ માલિકો દ્વારા ૧૯૧૬૨ પેટ ડોગ્સની નોંધણી કરાયેલી છે, જેમની સુવિધા માટે આ પ્રોજેક્ટ તૈયાર કરાયો છે. આ અબોલ અને અણમોલ જીવને માનવીય સંવેદનાથી અંતિમ વિદાય આપવાનું ઉત્તમ જીવસેવા કાર્ય સીએનસીડી વિભાગની આ પહેલ ગણાશે.