Last Updated on by Sampurna Samachar
ચાર કંપનીઓએ લગભગ ૬ લાખ એક્ટિવ ગ્રાહકો ગુમાવ્યા
મોટી કંપનીઓએ ૨૦ લાખ એક્ટિવ રોકાણકારો ગુમાવ્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
૨૦૨૫ના પહેલા છ મહિનામાં શેરબજારમાંથી સારું રિટર્ન મળવા છતાં દેશની ચાર મોટી બ્રોકિંગ કંપનીઓએ લગભગ ૨૦ લાખ એક્ટિવ રોકાણકારો ગુમાવ્યા છે. આનો અર્થ એ છે કે રોકાણકારો અને ટ્રેડર્સનો શેરબજારમાં વિશ્વાસ ઘટ્યો છે. રોકાણકારો ગુમાવનારી કંપનીઓમાં ગ્રો, ઝેરોધા, એન્જલ વન અને અપસ્ટોક્સનો સમાવેશ થાય છે.
એકલા જૂન મહિનામાં જ આ ચારેય કંપનીઓએ મળીને લગભગ ૬ લાખ એક્ટિવ ગ્રાહકો ગુમાવ્યા છે. જાન્યુઆરી ૨૦૨૫થી અત્યાર સુધી ગ્રોએ ૬ લાખ, ઝેરોધાએ ૫.૫ લાખ, એન્જલ વને ૪.૫ લાખ અને અપસ્ટોક્સે ૩ લાખથી વધુ એક્ટિવ રોકાણકારો ગુમાવ્યા છે.
નુકસાન સહન કર્યા બાદ રોકાણકારો ચાલ્યા ગયા
સૌથી મોટું કારણ છે F & O (ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ) ટ્રેડિંગમાં રોકાણકારોનો રસ ઘટવો. SEBI દ્વારા ગયા વર્ષે લાગુ કરવામાં આવેલા કડક નિયમોના કારણે રિટેલ રોકાણકારો માટે આ સેગમેન્ટમાં ટ્રેડિંગ કરવું મુશ્કેલ બન્યું છે. હવે કડક માર્જિન રિક્વાયરમેન્ટ્સ, વીકલી એક્સપાયરી ઓછી થવી, કેપિટલ લિમિટ વધવી અને ટેક્સેશન વધવાને કારણે ડેરિવેટિવ ટ્રેડિંગ (પુટ-કોલ)માં લોકોની રુચિ ઘટી રહી છે.
મનીકંટ્રોલે એક્સિસ સિક્યોરિટીઝના રાજેશ પાલવિયાના હવાલેથી જણાવ્યું કે, SEBI ના કડક F&O નિયમો અને જાગૃતિ વધવાને કારણે રિટેલ રોકાણકારો હવે આ હાઈ-રિસ્કવાળા ટ્રેડિંગથી દૂર થઈ રહ્યા છે. ૨૦૨૩ અને ૨૦૨૪ની તેજીમાં ડિસ્કાઉન્ટ બ્રોકિંગ પ્લેટફોર્મ્સ પર ટિયર ૨, ૩ અને ૪ શહેરોમાંથી મોટી સંખ્યામાં ટ્રેડર્સ આવ્યા હતા, પરંતુ છેલ્લા ૬ મહિનામાં માર્કેટ કરેક્શન અને વોલટિલિટીને કારણે સતત નફો કમાવવો મુશ્કેલ બન્યો છે. રિસર્ચ સપોર્ટ અને માર્ગદર્શનની અછતને કારણે ઘણા રોકાણકારો નુકસાન સહન કર્યા બાદ પ્લેટફોર્મ છોડીને ચાલ્યા ગયા છે. એટલે કે તેઓએ એકાઉન્ટ ડિલીટ કરી નાખ્યાં છે.
ફિસડમના નીરવ કરકડાએ જણાવ્યું કે, હવે લોકો વધુ સ્ટ્રક્ચર્ડ અને પ્રોફેશનલી મેનેજ્ડ ઈનવેસ્ટમેન્ટ ઓપ્શન્સ જેમ કે મ્યુચ્યુઅલ ફંડ્સ, PMS (પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસેઝ) અને AIF (ઓલ્ટરનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ્સ) તરફ આગળ વધી રહ્યા છે. આ વિકલ્પો રેગુલેટેડ, સુરક્ષિત હોય છે. આ ઉપરાંત, નવા રોકાણકારો માટે ઓનબોર્ડિંગ પ્રક્રિયા પણ હવે કઠિન બની છે, જેના કારણે ડિસ્કાઉન્ટ બ્રોકર્સને નવા ગ્રાહકો (ક્લાઈન્ટ્સ) લાવવામાં મુશ્કેલી પડી રહી છે.
બેંગલુરુ-આધારિત ગ્રોએ એક મહિના પહેલા SEBI પાસે IPO (ઇનિશિયલ પબ્લિક ઓફરિંગ) માટે અરજી કરી છે. હવે જોવાનું રહેશે કે રોકાણકારોના નુકસાન (ઈનવેસ્ટર્સ લોસ)ની તેની છબિ પર શું અસર થાય છે. જોકે, ગ્રો, ઝેરોધા અને એન્જલ વનના કુલ એક્ટિવ રોકાણકારોની સરખામણીમાં આ ૫ ટકાનો ઘટાડો ખૂબ મોટો ગણાતો નથી.
૨૦૨૪માં NSE નો એક્ટિવ ઈનવેસ્ટર બેઇઝ ૪૪ ટકા વધ્યો હતો અને તે ૫.૦૧ કરોડ સુધી પહોંચ્યો હતો. પરંતુ ૨૦૨૫માં બ્રોકર્સને વધુ ટેક્સ, લોઅર એક્સચેન્જ રિબેટ્સ અને રિટેલ F&O ટ્રેડિંગ પર કડક પ્રતિબંધોનો સામનો કરવો પડી રહ્યો છે. બજારમાં ઘટાડો સપ્ટેમ્બર ૨૦૨૪ થી શરૂ થયો હતો, પરંતુ રોકાણકારોની સંખ્યામાં ઘટાડો નવેમ્બર-ડિસેમ્બરથી દેખાવા લાગ્યો છે.
ડીમેટ એકાઉન્ટ ખુલવાનું પણ હવે ધીમું પડી ગયું છે. FY૨૬ના પહેલા ત્રિમાસિક (Q૧)માં માત્ર ૬૯.૧ લાખ નવા ડીમેટ એકાઉન્ટ્સ ખુલ્યા, જે અગાઉના ત્રિમાસિક (૬૯.૩ લાખ) કરતાં થોડા ઓછા છે. જૂન ૨૦૨૫ના અંત સુધીમાં NSDL અને CDSL સાથે કુલ ડીમેટ એકાઉન્ટ્સ ૧૯.૯૧ કરોડ થઈ ગયા છે.