Last Updated on by Sampurna Samachar
ડોનાલ્ડ ટ્રમ્પે ઈમિગ્રેશનના નિયમોમાં કર્યા મોટા ફેરફાર
મૂરના એક કપલના નામ પરથી કાયદાનુ નામ રખાયું
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમેરિકા પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના રાજમાં ઈમિગ્રેશનના નિયમોમાં મોટા ફેરફારો થઈ રહ્યા છે, અને નાનકડી ભૂલ પણ ડિપોર્ટેશનનું કારણ બની શકે છે. હવે અમેરિકામાં જે ઈલીગલ ઈમિગ્રન્ટ દારૂ પીને ડ્રાઈવિંગ કરતાં પકડાશે તેને તાત્કાલિક ડિપોર્ટ કરી દેવામાં આવશે. આ અંગેનું એક બિલહાઉસમાં પાસ કરવામાં આવ્યું છે, જેને રિપબ્લિકન પાર્ટીના કન્ઝર્વેટિવ રિપ્રઝન્ટેટિવ બેરી મૂર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
આ બિલ ૨૪૬ ટુ ૧૬૦ વોટથી પાસ થઈ ગયું હતું. કોઈ રિપબ્લિકને આ બિલની વિરુદ્ધમાં વોટ ન હતો આપ્યો, પરંતુ ૧૬૦ ડેમોક્રેટ્સે બિલનો વિરોધ કર્યો હતો. આ કાયદો સેનેટમાં જશે અને ત્યારબાદ પ્રેસિડેન્ટ ટ્રમ્પ દ્વારા તેના પર સાઈન કરીને તેને અમલમાં મૂકવામાં આવશે.
અમેરિકીઓના જીવને જોખમમાં મુકનારા સામે કાર્યવાહી
બિલ પાસ થયા બાદ મૂરે જણાવ્યું હતું કે, હાઉસમાં થયેલા વોટિંગથી લોકો સમક્ષ એક સ્પષ્ટ મેસેજ ગયો છે કે, અમેરિકામાં આવીને કાયદાનો ભંગ કરી તથા દારૂ પીને ડ્રાઈવિંગ કરી અમેરિકનોનો જીવ જોખમમાં મૂકનારા લોકોને પરિણામો ભોગવવા પડશે. આ કાયદાનું પૂરું નામ જેરેમી એન્ડ એન્જલ સી અને સાર્જન્ટ બ્રાન્ડન મેન્ડોઝા પ્રોટેક્ટ અવર કોમ્યુનિટીઝ ફ્રોમ DUIS એક્ટ છે.
મૂરના એક કપલ જેરેમી અને એજન્લ સીના નામ પરથી આ એક્ટનું નામ રાખવામાં આવ્યું છે. દારૂ પીને ડ્રાઈવિંગ કરી રહેલા એક ઈલીગલ ઈમિગ્રન્ટે આ કપલને અડફેટે લેતા તેમનું મોત થયું હતું. આ એક્ટના નામમાં એક પોલીસ અધિકારી બ્રાન્ડન મેન્ડોઝાનો પણ સમાવેશ થાય છે, અને તેમનું મોત પણ દારૂ પીને ડ્રાઈવિંગ કરનારા ઈલીગલ ઈમિગ્રન્ટના હાથે થયું હતું. તેથી હવે અમેરિકામાં દારૂ પીને ડ્રાઈવિંગ કરતા જે ઈલીગલ ઈમિગ્રન્ટ ઝડપાશે તેને ડિપોર્ટ કરી દેવામાં આવશે.
આ પગલાને ટ્રમ્પના ડિપોર્ટેશનને ઝડપી બનાવવાનો જ એક ભાગ માનવામાં આવી રહ્યો છે. ટ્રમ્પ ડિપોર્ટેશનની સ્પીડ વધારવા ઈચ્છે છે, અને તેના માટે ICE ને રોજના ૩૦૦૦ લોકોને એરેસ્ટ કરવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે. ભારે પ્રેશરના કારણે ICE એ પણ કાર્યવાહી આક્રમક બનાવી દીધી છે. આ ઉપરાંત ઘણી એજન્સીઓને પણ ડિપોર્ટેશનના કામે લગાડી દેવામાં આવી છે. તેવામાં હવે ઈલીગલ ઈમિગ્રન્ટ્સની મુશ્કેલીઓ સતત વધી રહી છે, અને તેમને એક નાનકડી ભૂલ પણ ભારે પડી શકે છે.