Last Updated on by Sampurna Samachar
આ કોલર ટ્યુનથી લોકોને થતી હતી અસુવિધા
સરકારે ટેલિકોમ કંપનીઓને કર્યો હતો નિર્દેશ
(સંપૂર્ણ સમાચાર સેવા)
દેશમાં ઝડપથી વધી રહેલા સાયબર ગુનાઓને ધ્યાનમાં રાખીને ભારત સરકારે થોડા સમય પહેલાં એક અનોખી પહેલ કરી હતી. સરકારે ટેલિકોમ કંપનીઓને નિર્દેશ આપ્યો હતો કે દરેક ફોન કોલ પહેલાં એક જાગૃતતા મેસેજ ચલાવવામાં આવે, જેથી લોકો ફેક કોલ્સ, ઓનલાઈન ફ્રોડ અને ફિશિંગ જેવા મામલાથી સતર્ક રહે. આ મેસેજને ખાસ બનાવવા માટે તેમાં અમિતાભ બચ્ચનના અવાજની પસંદગી કરવામાં આવી હતી. અમિતાભ બચ્ચનના દમદાર અવાજમાં આ ટ્યૂન લોકોને વારંવાર ચેતવણી આપતી હતી કે કોઈપણ અજાણ્યા નંબરથી આવેલી લિંક પર ક્લિક ન કરો, કોઈને બેંકની વિગતો કે OTP શેર ન કરો.
શરૂઆતમાં આ પગલું લોકોને જાગૃત કરવાના ઉદ્દેશ્ય સાથે ઉઠાવવામાં આવ્યું હતું અને તેના ખૂબ જ વખાણ પણ કરવામાં આવ્યા હતા. પરંતુ સમય જતાં આ કોલર ટ્યૂન લોકો માટે અસુવિધાનું કારણ બનવા લાગી, ખાસ કરીને જ્યારે કોઈને ઈમરજન્સીની સ્થિતિમાં તાત્કાલિક કોલ કરવાનો હોય તો મુશ્કેલી પડતી હતી.
કોલર ટ્યૂન સરકારની જાગૃતિ પહેલનો એક ભાગ હતી
શરૂઆતમાં આ ટ્યૂનને ખૂબ સકારાત્મક પહેલ માનવામાં આવી હતી, કારણ કે તે લોકોને સતર્ક રહેવાનું યાદ અપાવતી હતી. પરંતુ જ્યારે આ ટ્યૂન દરેક કોલ પર વારંવાર સંભળાવા લાગી, ખાસ કરીને ઈમરજન્સની સ્થિતિમાં ત્યારે તે લોકો માટે પરેશાનીનું કારણ બની ગઈ.
છેલ્લા કેટલાક મહિનાઓમાં સોશિયલ મીડિયા પર હજારો લોકોએ આ ટ્યૂનને હટાવવાની માંગ કરી હતી. ઈન્દોરના પૂર્વ ધારાસભ્ય સુદર્શન ગુપ્તાએ પણ આ મુદ્દાને ગંભીરતાથી ઉઠાવ્યો અને કેન્દ્રીય સંચાર મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને પત્ર લખ્યો હતો.
સુદર્શન ગુપ્તાએ જણાવ્યું હતું કે તેમણે પોતે બે વખત જોયું કે માર્ગ અકસ્માત દરમિયાન ફોન કરતી વખતે આ કોલર ટ્યૂન અડચણ બની ગઈ હતી. તેમણે કહ્યું કે, વૃદ્ધો અને સામાન્ય લોકોને પણ આનાથી તકલીફ થઈ રહી છે. આ અંગે મંત્રી સિંધિયાએ પણ સહમતિ દર્શાવી અને કહ્યું કે ટૂંક સમયમાં આ અંગે જરૂરી પગલાં લેવામાં આવશે.
આ કોલર ટ્યૂન સરકારની જાગૃતિ પહેલનો એક ભાગ હતી, જેનો હેતુ લોકોને સાયબર ઠગ અને ડિજિટલ છેતરપિંડીથી સાવચેત કરવાનો હતો. હવે જ્યારે આ અભિયાન પૂર્ણ થઈ ગયું છે, ત્યારે સરકારે તેને હટાવવાનો ર્નિણય લીધો છે, જેથી લોકોને વારંવાર આ સંદેશ સાંભળવાની અસુવિધાથી રાહત મળી શકે.