Last Updated on by Sampurna Samachar
હરિયાણા સ્પેશિયલ ટાસ્ક ફોર્સની સફળ કામગીરી
૨૦૨૫માં ચકમો આપીને અમેરિકા ફરાર થઈ ગયો હતો
(સંપૂર્ણ સમાચાર સેવા)
હરિયાણા સ્પેશિયલ ટાસ્ક ફોર્સ દ્વારા સોનીપતના કુખ્યાત ગેંગસ્ટર અમન ભૈંસવાલને ભારત લવાયો છે. હિમાંશુ ભાઉ ગેંગના આ શાર્પશૂટરને ઇન્ટરપોલ અને ગૃહ મંત્રાલયના સહયોગથી અમેરિકાથી ડિપોર્ટ કરવામાં આવ્યો છે. દિલ્હી એરપોર્ટ પર ઉતરતા જ હરિયાણા સ્પેશિયલ ટાસ્ક ફોર્સની ટીમે તેની ધરપકડ કરી લીધી છે.

મળતી માહિતી અનુસાર મૂળ સોનીપતના ભૈંસવાલ કલાન ગામના રહેવાસી અમન ભૈંસવાલ પર હત્યા અને ખંડણી સહિત ૧૦થી વધુ ગંભીર ગુનાહિત કેસ નોંધાયેલા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અમને દિલ્હીના મયુર વિહાર વિસ્તારમાં નકલી સરનામું ‘અમન કુમાર‘ના નામથી પાસપોર્ટ બનાવડાવ્યો હતો અને ૨૦૨૫માં ચકમો આપીને અમેરિકા ફરાર થઈ ગયો હતો. સ્પેશિયલ ટાસ્ક ફોર્સએ ગોહાના સદર પોલીસ સ્ટેશનમાં કેસ નોંધીને ઇન્ટરપોલ સાથે તેની માહિતી શેર કરી હતી.
વિદેશ ભાગી ગયેલા ૮ થી વધુ મોટા ગેંગસ્ટરોને ભારત લાવ્યા
રોહતકના સાંપલામાં ‘સીતારામ હલવાઈ‘ની દુકાન પર તાજેતરમાં થયેલી અંધાધૂંધ ફાયરિંગમાં અમન ભૈંસવાલનું નામ મુખ્ય આરોપી તરીકે સામે આવ્યું હતું. હુમલા દરમિયાન બદમાશોએ એક ચિઠ્ઠી ફેંકીને ૧ કરોડ રૂપિયાની ખંડણી માગી હતી, જેના પર અમન ભૈંસવાલ ગ્રુપનું નામ લખ્યુ હતું. આ ઉપરાંત ગોહાનામાં ‘માતુરામ હલવાઈ‘ કાંડમાં પણ તેની સંડોવણીના પુરાવા મળ્યા હતા. તે કુખ્યાત હિમાંશુ ભાઉ ગેંગ માટે કામ કરતો હતો.
હરિયાણા ટીમના અધિકારીઓના જણાવ્યા પ્રમાણે અમન ભૈંસવાલને કોર્ટમાં રજૂ કરીને રિમાન્ડ પર લેવામાં આવશે અને તેના અન્ય સાથીઓ અને તેના વિદેશમાં બેઠેલા આકાઓના નેટવર્કનો ખુલાસો થઈ શકે. નોંધનીય છે કે હરિયાણા ટીમે અત્યાર સુધીમાં વિદેશ ભાગી ગયેલા ૮ થી વધુ મોટા ગેંગસ્ટરોને ભારત પાછા લાવવામાં સફળ રહી છે, જેમાં મનપાલ અને જેગેન્દ્ર ગ્યોગ જેવા નામ સામેલ છે.