Last Updated on by Sampurna Samachar
આરોપી છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતો
રૂ. ૧૫ લાખથી વધુની રોકડ, બે મોબાઇલ ફોન, કાર તેમજ વિદેશી કરંસી કબજે કર્યા
(સંપૂર્ણ સમાચાર સેવા)
અમદાવાદ શહેરમાં ગુજસીટોક હેઠળ વોન્ટેડ રહેલા કુખ્યાત આરોપી અઝહર કિટલીને ઝોન–૭ LCB અને વેજલપુર પોલીસ ટીમે ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા દોઢ વર્ષથી ફરાર હતો.

પોલીસને મળેલી બાતમીના આધારે જુહાપુરા–વેજલપુર વિસ્તારમાંથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ દરમિયાન આરોપી પાસેથી રૂ. ૧૫ લાખથી વધુની રોકડ, બે મોબાઇલ ફોન, એક કાર તેમજ વિદેશી ચલણી નોટો કબ્જે કરવામાં આવી છે.
ખંડણી, ગુજસીટોક અને હત્યા પ્રયાસ જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે અઝહર કિટલી સામે કુલ ૨૧ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે જેમાં ખંડણી, ગુજસીટોક તેમજ હત્યા પ્રયાસ જેવા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે. અગાઉ નામદાર કોર્ટે આરોપીને શરતી જામીન આપ્યા હતા, પરંતુ ત્યારબાદ નવા ગુનાઓ નોંધાતા તેના જામીન રદ કરવામાં આવ્યા હતા.
અઝહર કિટલી સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓને ડરાવી-ધમકાવીને ખંડણી વસૂલતો હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું છે. ગુજસીટોકના ગુનામાં મુખ્ય વોન્ટેડ હોવાને કારણે પોલીસ લાંબા સમયથી તેની શોધમાં હતી.
હાલ આરોપીને કોર્ટમાં રજુ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે અને તેની ગુનાખોરીના નેટવર્ક અંગે વધુ ખુલાસાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.