Last Updated on by Sampurna Samachar
દેશની બીજી સૌથી મોટી કંપની સામે GST કેસનો અંત
છેલ્લા પાંચ વર્ષમાં કરેલી કામગીરીને લઈને નોટિસ હતી
(સંપૂર્ણ સમાચાર સેવા)
અગ્રણી IT સર્વિસિઝ કંપની ઇન્ફોસીસને મોટી રાહત મળી છે. ડિરેક્ટરજનરલ ઓફ GST ઇન્ટેલિજન્સે નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ થી ૨૦૨૧-૨૨ ના પાંચ વર્ષના સમયગાળા માટે રૂ. ૩૨,૪૦૩ કરોડના GST ના બાકી લેણા પેટે નોટિસ પાઠવી હતી. હવે આ નોટિસ ક્લોઝ કરી છે. આના પગલે ભારતની બીજા નંબરની સૌથી મોટી IT કંપની સામેના GST કેસનો અંત આવ્યો છે.
લગભગ વર્ષ પહેલા GST સત્તાવાળાઓએ ઇન્ફોસિસને રૂ. ૩૨,૪૦૩ કરોડની નોટિસ પાઠવી હતી. કંપનીની વિદેશની શાખાઓએ છેલ્લા પાંચ વર્ષમાં કરેલી કામગીરીને લઈને તેને આ નોટિસ પાઠવવામાં આવી હતી. આ GST માંગ ઇન્ફોસિસના વાર્ષિક નફા રૂ. ૨૬,૭૧૩ કરોડથી પણ વધારે હતી. હવે આ નોટિસ ક્લોઝ કરવામાં આવતા ઇન્ફોસિસને રાહત થઈ છે.
વિદેશના ખર્ચાઓ પર GST લાગતો નથી
બેંગ્લુરુમાં મુખ્યમથક ધરાવતી કંપનીએ BSE ફાઇલિંગમાં જણાવ્યું હતું કે તેને DGCI તરફથી આ કેસ ક્લોઝ થયો હોવાનો પત્ર મળી ગયો છે. TCS , વિપ્રો, અને અન્ય ગ્લોબલ આઇટી કોન્ટ્રાક્ટ મેળવવા સ્પર્ધા કરી રહેલી ઇન્ફોસિસે જણાવ્યું હતું કે તેને DGCI તરફથી જુલાઈ ૨૦૧૭થી માર્ચ ૨૦૨૨ સુધી રિવર્સ ચાર્જ મિકેનિઝમ હેઠળ IGST ન ચૂકવવા બદલ પ્રી-શોકોઝ નોટિસ પાઠવવામાં આવી હતી. ઇન્ફોસિસે જણાવ્યું હતું કે તેણે આ અંગે સત્તાવાળાઓને સતત જણાવ્યું હતું કે વિદેશના ખર્ચાઓ પર GST લાગતો નથી.
આ ઉપરાંત સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સે જીએસટી કાઉન્સિલને ભલામણ કરી હતી કે ભારતીય કંપનીને તેના વિદેશી એકમ દ્વારા પૂરી પાડવામાં આવતી સર્વિસ જીએસટીને આધીન નથી. ટેક ફર્મે જણાવ્યું હતું કે જીએસટી ચૂકવણી ફક્ત આઇટી સર્વિસિસના નિકાસ પર ક્રેડિટ કે રિફંડની સામે કરવાની હોય છે.
બેંગ્લુરુના ડિરેક્ટોરેટ જનરલ ઓફ GST ઇન્ટેલિજન્સનો અભિપ્રાય હતો કે ઇન્ફોસિસે વિદેશમાં તેના જ એકમ પાસેથી મેળવેલી સર્વિસ પર આઇજીએસટી ચૂકવ્યો નથી. ઇન્ફોસિસે નાણાકીય વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન ચોખ્ખા નફામાં ૧.૮ ટકા વધારો નોંધાવતા તે સામાન્ય વધી રુ. ૨૬,૭૧૩ કરોડ થયો હતો. જ્યારે આવક ૬.૦૬ ટકા વધીને રૂ. ૧,૬૨,૯૯૦ કરોડ થઈ હતી, જે તેના ૪.૫ ટકાથી પાંચ ટકાની વૃદ્ધિના અંદાજ કરતાં વધારે હતી.