Last Updated on by Sampurna Samachar
યુનિયન બજેટ પર મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ખામીઓ નીકાળી
અમારે કેન્દ્ર સરકાર પાસેથી લગભગ બે લાખ કરોડથી વધુ લેવાના છે
(સંપૂર્ણ સમાચાર સેવા)
નાણામંત્રી ર્નિમલા સીતારમણે દેશનું સામાન્ય બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં ઘણી મોટી જાહેરાતો કરવામાં આવી છે. મોદી સરકાર તેને વ્યાપક અને વિકાસલક્ષી બજેટ ગણાવી રહી છે, પરંતુ વિરોધ પક્ષના નેતાઓએ હવે તેની ખામીઓ ગણાવવાનું શરૂ કરી દીધું છે.

પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીની પ્રથમ પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે બજેટની કડક શબ્દોમાં નિંદા કરી છે અને તેને સંપૂર્ણપણે દિશાહીન ગણાવ્યું છે. મમતા બેનર્જીએ ત્યાં સુધી કહ્યું કે, આ બજેટને કારણે શેરબજાર ધબડકો થયો છે. તેમણે ઉમેર્યું કે, “આ બજેટ મહિલા વિરોધી અને SC-ST વિરોધી પણ દેખાય છે.” પશ્ચિમ બંગાળ માટે કોઈ ખાસ જાહેરાત ન કરવા બદલ પણ તેમણે નારાજગી વ્યક્ત કરી હતી.
બજેટને ઐતિહાસિક ગણાવી રહ્યા છે ભાજપના નેતાઓ
CM મમતાએ આક્ષેપ કર્યો કે બંગાળને એક રૂપિયો પણ આપવામાં આવ્યો નથી. તેમણે દાવો કર્યો કે, “માત્ર એક જ ટેક્સ છે. તેઓ અમારા પૈસા લઈ રહ્યા છે અને વાતો કરી રહ્યા છે. આ અમારા પૈસા છે. તેઓ બંગાળમાંથી જે વસૂલે છે, તેનું પૂરૂ ફંડ અમને આપી રહ્યા નથી.
અમારે કેન્દ્ર સરકાર પાસેથી લગભગ બે લાખ કરોડ રૂપિયાથી વધુ લેવાના નીકળે છે. તેથી તેમને સરકાર ચલાવવાનો કે દેશને બરબાદ કરવાનો કોઈ નૈતિક અધિકાર નથી. તેઓ દેશનું આર્થિક માળખું અને બંધારણીય માળખું નષ્ટ કરવા માંગે છે.” એક તરફ મમતા બેનર્જી બજેટ પર નિશાન સાધી રહ્યા છે, તો બીજી તરફ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ આ બજેટને ઐતિહાસિક ગણાવી રહ્યા છે.
કેન્દ્રીય બજેટ પર ભારતીય ઉદ્યોગ પરિસંઘના પ્રમુખ રાજીવ મેમાનીએ જણાવ્યું હતું કે, “બજેટ પર અમારી પ્રતિક્રિયા હકારાત્મક છે કારણ કે તેમાં ઉદ્યોગો, ખાસ કરીને MSME ની માંગણીઓ પૂરી કરવામાં આવી છે. સેવા ક્ષેત્ર પર પણ વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે. સરકારે ટેક્સ સરળીકરણ અંગેની ચિંતાઓ સાંભળી છે અને મૂડી ખર્ચમાં પણ ૧૦-૧૨% નો વધારો કરવામાં આવ્યો છે.”