Last Updated on by Sampurna Samachar
વિધાનસભામાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે કહ્યું
૩૩ જિલ્લાના ૧૮ હજારથી વધુ ગામોમાં રી-સરવે પૂર્ણ
(સંપૂર્ણ સમાચાર સેવા)
“જમીન રી-સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે કરીને રાજ્યનો એક પણ ખેડૂત રહી ન જાય એ જ અમારો નિર્ધાર છે,” એમ વિધાનસભા ખાતે ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર જમીન માપણીની કામગીરીમાં પારદર્શિતા અને ચોકસાઈ સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે, જેથી દરેક ખેડૂતને તેનો લાભ મળી રહે.
મંત્રી રાજપૂતે વિધાનસભામાં જમીન રી-સરવેની કામગીરી અંગેના પ્રશ્નોના જવાબમાં જણાવ્યું હતું કે, ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે જેણે આટલી મોટા પાયે અને પારદર્શી રીતે જમીન રી-સરવેની કામગીરી હાથ ધરી છે. રાજ્યના ૩૩ જિલ્લાના ૨૭૨ તાલુકાના કુલ ૧૮,૭૨૩ ગામો માટે આ કામગીરીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાંથી અત્યાર સુધીમાં ૧૮,૦૪૬ ગામોને રી-સરવે હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ કામગીરીમાં આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને જમીન માપણીને વધુ સચોટ અને ભૂલ રહિત બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
પેન્ડીંગ અરજીઓના ઝડપી નિકાલ માટે કલેક્ટરને સૂચના
છેલ્લા બે વર્ષમાં અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લામાં આવેલી અરજીઓની માહિતી આપતા મંત્રી એ જણાવ્યું હતું કે, અરવલ્લી જિલ્લામાં રી-સરવે અંગેની ૨,૫૧૯ અરજીઓ અને સાબરકાંઠા જિલ્લામાં ૬,૩૫૮ અરજીઓ મળી હતી. જેમાંથી અરવલ્લી જિલ્લામાં ૧૨,૧૯૧ અને સાબરકાંઠા જિલ્લામાં ૨૨,૨૨૬ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. હાલમાં પેન્ડીંગ અરજીઓના ઝડપી નિકાલ માટે ગામોના ક્લસ્ટર બનાવીને માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે અને તેના દ્વારા અરજીઓના નિકાલની કામગીરી પ્રગતિમાં છે.
મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાં રી-સરવેની કામગીરીની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળ દરમિયાન થઈ હતી. રાજ્યમાં જમીન મહેસુલ કાયદાની કલમ-૯૫ હેઠળ મૂળ માપણી સને ૧૮૮૬ થી શરૂ કરીને વિવિધ જિલ્લાઓમાં તબક્કાવાર પૂર્ણ કરવામાં આવી હતી. ત્યારબાદ વર્ષ ૨૦૦૪ થી રાજ્ય સરકારે ખેડૂત ખાતેદારોના જમીન રેકોર્ડ ૭/૧૨ ને દેશમાં પ્રથમ વખત ઓનલાઈન ઉપલબ્ધ કરાવ્યા હતા. આ ઉપરાંત ખેતીની જમીનોના નકશાઓને પણ ડિજિટલી તૈયાર કરીને ઓનલાઈન ખેડૂતો માટે ઉપલબ્ધ કરાવવાનો હેતુ છે. આ માટે રાજ્ય સરકારે આધુનિક માપણીના સાધનો જેવા કે ડીજીપીએસ/ઈટીએસનો ઉપયોગ કરીને ખેતીની જમીનોનો રી-સરવે કરવાનો ર્નિણય લીધો હતો.
છોટા ઉદેપુર જિલ્લામાં થયેલી કામગીરી વિશે મંત્રી એ જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૨ દરમિયાન ૪,૪૪૯ અરજીઓ આવી હતી, જેમાંથી ૩,૨૩૩ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. વર્ષ ૨૦૨૩ અને ૨૦૨૪ માં વધુ ૧,૩૦૫ અરજીઓ આવતા, તેમાંથી પણ ૩૪૫ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે. આમ, વર્ષ ૨૦૧૭ થી ૨૦૨૪ સુધીમાં કુલ ૪,૭૫૪ અરજીઓમાંથી ૩,૫૭૮ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો છે.
મંત્રી એ ખાતરી આપી હતી કે, જે ગામોમાં ખેતીની જમીનની માપણીમાં કોઈ ભૂલ જણાય તો ખેડૂતોની વાંધા અરજીઓના નિકાલ માટે પુન: માપણી કરીને ખેડૂતોને સંતોષ થાય તે રીતે પારદર્શી પ્રક્રિયા અનુસરવામાં આવશે. ખેડૂતોને ન્યાય મળે અને હેરાનગતિ ન થાય તે માટે વાંધા અરજીઓ સ્વીકારવાની મુદત ૩૧/૧૨/૨૦૨૫ સુધી લંબાવવામાં આવી છે, જેથી કોઈ પણ ખેડૂતને મુશ્કેલી ન પડે.
જમીન રી-સરવેની કામગીરી ચાર મુખ્ય તબક્કામાં કરવામાં આવે છે, જેમાં માપણી, પ્રાથમિક નકશા પર વાંધા અરજીઓનો નિકાલ, રેકોર્ડની ચકાસણી અને છેલ્લે રેકોર્ડને પ્રમાણિત કરવાની કામગીરીનો સમાવેશ થાય છે. આ તમામ તબક્કાઓમાં પારદર્શિતા અને ભૂલ રહિત કામગીરી સુનિશ્ચિત કરવા માટે સરકાર કટિબદ્ધ છે.
માપણીની વૈજ્ઞાનિક પદ્ધતિ વિશે માહિતી આપતા મંત્રી એ જણાવ્યું હતું કે, દરેક ગામમાં ગ્રામસભા યોજાયા બાદ, ખાતેદાર અથવા હિસ્સેદારની હાજરીમાં આધુનિક સાધનો ઇ.ટી.એસ. અને ડી.જી.પી.એસ. મશીન દ્વારા સ્થળ પર જમીન માપણી કરવામાં આવે છે. રી-સરવે બાદ તમામ જૂના સર્વે નંબરોને નવા નંબર આપવામાં આવશે, જેના માટે માપણી શરૂ કરતા પહેલા તમામ જૂના પૈકી નંબરોની માહિતી મેળવીને અને માપણી ડેટાને કચેરીમાં પ્રોસેસ કરીને દરેક ખેતરના નકશા તૈયાર કરવામાં આવે છે.
રાજ્ય સરકારની આ પહેલનો મુખ્ય ઉદ્દેશ્ય જમીન રેકોર્ડને આધુનિક બનાવવાનો અને ખેડૂતોને તેમની જમીન સંબંધિત તમામ પ્રક્રિયાઓ સરળતાથી ઉપલબ્ધ કરાવવાનો છે. મંત્રી એ પુન: ભારપૂર્વક જણાવ્યું હતું કે, સરકાર સુનિશ્ચિત કરશે કે રાજ્યનો એક પણ ખેડૂત જમીન રી-સરવેની પ્રક્રિયાથી વંચિત ન રહે અને દરેકને પારદર્શી રીતે ન્યાય મળે.