Last Updated on by Sampurna Samachar
ઉલ્લંઘનમાં તંત્ર પણ સામેલ હોવાનો ખુદ ધારાસભ્યે આરોપ લગાવ્યો
ગોલવાડ વિસ્તારમાં અશાંતધારા નિયમોનું ઉલ્લંઘન
(સંપૂર્ણ સમાચાર સેવા)
સુરતનો એક એવો વિસ્તાર જ્યાં અશાંતધારાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું હોવાનુ સામે આવ્યું છે. તંત્રના જ હાથ પણ આ ઉલ્લંઘનમાં કાળા હોવાનો આરોપ ખુદ ધારાસભ્ય આરોપ લગાવી રહ્યા છે. હિન્દુ બહુમતિવાળા આ વિસ્તારમાં હિન્દુઓ પલાયન કરવા લાગ્યા છે અને વિધર્મીઓ મિલકતો ખરીદવા લાગ્યા છે.

વિગતો અનુસાર સુરતનો ગોલવાડ વિસ્તાર વર્ષોથી જરીકામ ઉદ્યોગ માટે જાણીતો અને મુખ્યત્વે હિન્દુ સમાજની વસતિ ધરાવતો વિસ્તાર છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી અહીં મિલકત ખરીદી વેચાણને લઈને પ્રશ્નો ઊભા થયા છે. ત્યારે સ્થાનિક ધારાસભ્ય અરવિંદ રાણાએ કલેક્ટરને લેખિત ફરિયાદ કરી છે. તેમનો આક્ષેપ છે કે અશાંતધારા લાગુ હોવા છતાં નિયમોને બાજુ પર રાખીને મિલકતોના દસ્તાવેજ થઈ રહ્યા છે અને તેમાં સ્થાનિક તંત્રની ભૂમિકા પણ શંકાસ્પદ છે.
પ્રશાસન શું એકશન લે તે જોવુ રહ્યું
ધારાસભ્યનો દાવો છે કે વિસ્તારની લોકસાંખ્યિક રચનામાં ધીમે ધીમે ફેરફાર થઈ રહ્યો છે, જેના કારણે કેટલાક સ્થાનિક રહેવાસીઓમાં અસંતોષ ફેલાયો છે. ધારાસભ્યનો આક્ષેપ છે કે દસ્તાવેજોમાં ગેરમાર્ગે દોરી માહિતી દર્શાવી મિલકતનું વેચાણ કરવામાં આવ્યું છે. પરંતુ તંત્ર તરફથી હજુ સુધી આ મામલે મગનું નામ મરી પાડવામાં આવ્યું નથી.
ગોલવાડ વિસ્તારમાં વધતા વિવાદ વચ્ચે હવે રાજકીય તણાવ પણ વધી રહ્યો છે. ભાજપના જ ધારાસભ્યે પોતાની જ સરકારના તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે. હાલ પ્રશ્ન એ છે કે, શું અશાંતધારાના નિયમોનું પાલન થઈ રહ્યું છે, શું દસ્તાવેજોમાં ગેરરીતિ થઈ છે અને સૌથી મહત્વનો સવાલ એ છે કે શું પ્રશાસન પારદર્શક તપાસ કરશે ? હવે પ્રશાસન શું એકશન લે છે તે તો આવનાર સમય જ બતાવશે.