Last Updated on by Sampurna Samachar
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડની ઘોર બેદરકાર
આ બોર્ડે વર્ષ ૨૦૦૬-૦૭ થી અત્યાર સુધીના વાર્ષિક વહીવટી અહેવાલો વિધાનસભા સમક્ષ રજૂ કર્યા નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
રાજ્ય સરકારના વહીવટમાં પારદર્શિતાના દાવાઓ વચ્ચે એક ચોંકાવનારો ખુલાસો થયો છે. ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામોનો વિકાસ કરતું ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ છેલ્લા ૧૯ વર્ષથી પોતાનો હિસાબ આપવામાં નિષ્ફળ રહ્યું છે. CAGના અહેવાલો મુજબ, આ બોર્ડે વર્ષ ૨૦૦૬-૦૭ થી અત્યાર સુધીના વાર્ષિક વહીવટી અહેવાલો વિધાનસભા સમક્ષ રજૂ કર્યા નથી.

સત્તાવાર વિગતો અનુસાર, ગાંધીનગર સ્થિત ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ના કુલ ૧૯ વાર્ષિક અહેવાલો બાકી બોલે છે. ૩૧ જુલાઈ ૨૦૨૫ સુધીની સ્થિતિએ, આ સંસ્થાએ ૨૦૦૬-૦૭ થી લઈને ૨૦૨૪-૨૫ સુધીના ઓડિટ રિપોર્ટ જમા કરાવ્યા નથી. નિયમ મુજબ, દરેક સ્વાયત્ત સંસ્થા કે બોર્ડે દર વર્ષે પોતાના હિસાબ અને કામગીરીનો અહેવાલ વિધાનસભામાં રજૂ કરવો ફરજિયાત છે, પરંતુ અહીં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન જોવા મળી રહ્યું છે.
ગેરરીતિ અને વહીવટી શિથિલતાની આશંકાઓ પણ પ્રબળ બની
રાજ્ય સરકાર દ્વારા યાત્રાધામોના વિકાસ, શ્રદ્ધાળુઓની સુવિધા અને મોટા પ્રોજેક્ટ્સ માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. સોમનાથ, દ્વારકા, અંબાજી જેવા મોટા યાત્રાધામોમાં થતા વિકાસકાર્યો પાછળ ખર્ચાતા જાહેર નાણાંનો ઉપયોગ ક્યાં અને કેવી રીતે થયો, તે બાબત છેલ્લા બે દાયકાથી અસ્પષ્ટ છે. ઓડિટ રિપોર્ટ રજૂ ન થવાને કારણે આર્થિક ગેરરીતિ અને વહીવટી શિથિલતાની આશંકાઓ પણ પ્રબળ બની છે.
રિપોર્ટમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને ગુજરાત શહેરી વિકાસ નિગમ જેવી સંસ્થાઓના પણ થોડા વર્ષોના અહેવાલો બાકી છે, પરંતુ ૧૯ વર્ષ જેટલો લાંબો સમયગાળો માત્ર પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના નામે જ નોંધાયેલો છે. આટલી ગંભીર લાપરવાહી છતાં તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી તે પણ એક મોટો સવાલ છે. ભક્તોની આસ્થા સાથે જોડાયેલા ધામોના વિકાસ માટે મળતા ફંડનો હિસાબ આપવામાં આટલી મોટી નિષ્ફળતા એ સુશાસનના દાવાઓ સામે મોટું પ્રશ્નાર્થ ચિન્હ ઊભું કરે છે.