Last Updated on by Sampurna Samachar
પ્રથમવાર ૧૯૯૮ માં મલેશિયામાં જોવા મળ્યો હતો વાયરસ
આ વાયરસની કોઇ દવા કે વેક્સિન ઉપલબ્ધ નથી
(સંપૂર્ણ સમાચાર સેવા)
કેરળમાં નિપાહ વાઈરસથી ફરી હાહાકાર મચી જવા પામ્યો છે. હાલમાં જ મલપ્પુરમ જિલ્લામાં આ વાઈરસથી એક ૧૮ વર્ષીય યુવાનનું મોત થયું હતું. તેમજ ૪૬ નવા કેસ સામે આવ્યા છે. આ ઘાતક વાઈરસે આરોગ્ય અધિકારીઓને હાઈ એલર્ટમાં મુકી દીધા છે. આ વાઈરસ જીવલેણ છે, કારણ કે તેની કોઈ ખાસ દવા કે વેક્સીન પણ ઉપલબ્ધ નથી.

નિપાહ વાઈરસ (NIV) એક ઝૂનોટિક વાઈરસ છે, એટલે કે, પ્રાણીઓમાંથી મનુષ્યોમાં ફેલાય છે. આ વાઈરસ મુખ્યત્વે ચામાચીડિયા (PTEROPUS MEDIUS), જેને ફ્લાઈંગ ફોક્સ પણ કહેવામાં આવે છે. આ ડુક્કર દ્વારા માણસોમાં ફેલાય છે. આ પહેલીવાર ૧૯૯૮માં મલેશિયામાં જોવા મળ્યો હતો. ત્યારે બાંગ્લાદેશ, ભારત અને સિંગાપુરમાં તેનો પ્રકોપ જોવા મળ્યો હતો.
નિપાહ વાઈરસનો મૃત્યુદર ખૂબ જ ઊંચો
કેરળમાં ૨૦૧૮ થી અત્યાર સુધી સાત વખત નિપાહ વાઈરસનો પ્રકોપ જોવા મળ્યો છે. જેમાં ૨૦૧૮,૨૦૧૯,૨૦૨૧,૨૦૨૩ અને ૨૦૨૪-૨૫ નો સમાવેશ થાય છે. નિપાહ વાઈરસનો મૃત્યુદર ખૂબ જ ઊંચો છે, જે ૪૦% થી ૭૫% સુધીનો હોઈ શકે છે. આ વાયરસમાં માનવ-માનવ ટ્રાન્સમિશન દ્વારા ફેલાવાની ક્ષમતા પણ છે, જે તેને વધુ ખતરનાક બનાવે છે. WHO એ આ રોગચાળાની સંભાવના ધરાવતા પ્રાથમિકતાવાળા રોગકારક જીવાણુઓમાં સામેલ કર્યો છે.
જુલાઈ ૨૦૨૫માં કેરળમના મુલપ્પુરમ જિલ્લામાં એક ૧૮ વર્ષીય કિશોરનું નિપાહ વાઈરસના કારણે મૃત્યુ થયું હતું. આ સાથે ૪૬ નવા કેસ સામે આવ્યા છે, જેમાં મોટાભાગના મલપ્પુરમ, કોઝિકોડ અને પલક્કડ઼ જિલ્લામાં છે. આરોગ્ય અધિકારીઓએ ૪૨૫ લોકોને દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે. આ વાઈરસ ચામાચિડીયા અથવા ડુક્કરના મળ, મુત્ર અથવા લાળથી દુષિત થયેલા ભોજન ખાવાથી થાય છે. સંક્રમિત વ્યક્તિના શરીરના પ્રવાહી જેવા કે, લાળ, લોહી અને ખુલ્લામાં છીંક ખાવાથી આ રોગ ફેલાય છે.
લક્ષણો :
વાઈરસ શરીરમાં પ્રવેશ કરતાં ૪ થી ૧૪ દિવસ પછી લક્ષણો જોવા મળે છે.
શરુઆતના લક્ષણો : તાવ આવવો, માથુ દુખવું, સ્નાયુઓમાં દુખાવો, ગળામાં ખારાશ, ઉલ્ટી અને થાક.
ગંભીર લક્ષણ : શ્વાસ લેવામાં તકલીફ પડવી, ચક્કર આવવા, દિશા ભૂલી જવી, એટેક, કોમા અને એન્સેફાલીટીસ (મગજનો સોજો).