Last Updated on by Sampurna Samachar
વર્ષ ૨૦૦૫ થી હુમલાનુ થઇ રહ્યુ હતુ પ્લાનિંગ
વાતચીતમાં દાઉદની સંડોવણીના સંકેતો હોઈ શકે
(સંપૂર્ણ સમાચાર સેવા)
૨૬/૧૧ના મુંબઈ હુમલાના મુખ્ય કાવતરાખોરોમાંના એક તહવ્વુર રાણાની દિલ્હીમાં NIA દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે. પૂછપરછના ત્રીજા દિવસ દરમ્યાન દાઉદ ઇબ્રાહિમ સાથેના તેના સંપર્કો, ડેવિડ હેડલી સાથેના તેના ફોન કોલ્સ અને ૨૦૦૫ માં શરૂ થયેલા હુમલાના કાવતરા વિશે પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. તપાસમાં દુબઈના એક વ્યક્તિનું નામ પણ બહાર આવ્યું છે, જેના પર દાઉદ ઇબ્રાહિમ સાથે સંબંધો હોવાની શંકા છે. એનઆઈએ રાણાના લશ્કર-એ-તૈયબા સાથેના સંબંધોની પણ તપાસ કરી રહી છે.
NIA તહવ્વુર રાણાની ફોન વાતચીતના રેકોર્ડની તપાસ કરી રહી છે. આમાંના મોટાભાગના કોલ્સ અન્ય આરોપી ડેવિડ હેડલી સાથેના છે. કેન્દ્રીય તપાસકર્તાઓને શંકા છે કે આ ફોન વાતચીતમાં દાઉદની સંડોવણીના સંકેતો હોઈ શકે છે.
તપાસ કરતા દુબઇના વ્યક્તિનુ નામ સામે આવ્યુ
NIA ના અનુમાન મુજબ મુંબઈ હુમલાનું આયોજન ૨૦૦૫થી કરવામાં આવી રહ્યું હતું. રાણા પણ તે યોજનાનો એક ભાગ હતો. હેડલીની તેની સાથેની ફોન વાતચીતની પણ તપાસ કરવામાં આવી રહી છે. આ માહિતી એક જ સ્ત્રોતમાંથી એકત્રિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એનઆઈએ એ સ્પષ્ટપણે શોધવાનો પ્રયાસ કરી રહી છે કે મુંબઈ હુમલાનું આયોજન કોણ કરી રહ્યું હતું અને પડદા પાછળ કોણ કામ કરી રહ્યું હતું.
રાણાની પૂછપરછ દરમ્યાન, તપાસકર્તાઓને એક નવું નામ મળી ગયું છે. દુબઈના એક વ્યક્તિનું નામ સામે આવ્યું છે જે હેડલીના કહેવા પર રાણાને મળ્યો હતો. તપાસકર્તાઓને શંકા છે કે આ વ્યક્તિને મુંબઈ હુમલા વિશે જાણકારી હતી. NIA લાંબા સમયથી દાવો કરી રહ્યું છે કે રાણાના આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે સંબંધો હતા. તપાસને સરળ બનાવવા માટે રાણાના અવાજના નમૂના એકત્ર કરીને તેને પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. મુંબઈ હુમલાના થોડા દિવસ પહેલા રાણા અને તેની પત્ની ભારત આવ્યા હતા અને તેમણે ઘણી જગ્યાએ મુસાફરી કરી હતી. NIA ને શક છે કે તેઓ મુંબઈ ઉપરાંત ભારતના અનેક શહેરમાં હુમલા કરવાની યોજના બનાવી રહ્યા હતા.