Last Updated on by Sampurna Samachar
દિલ્હીના મુખ્ય સચિવ અને પોલીસ કમિશ્નરને નોટિસ ફટકારાઇ
(સંપૂર્ણ સમાચાર સેવા)
ડિસેમ્બર થી લઇ જાન્યુઆરી સુધી પડેલી હાડ થીજવતી ઠંડીમાં દિલ્હીના ૪૦૦ થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હોવાના અહેવાલ સામે આવ્યા છે. જેની પર રાષ્ટ્રીય માનવ અધિકાર કમિશને પોતે ધ્યાન આપતાં દિલ્હીના મુખ્ય સચિવ અને પોલીસ કમિશ્નરને નોટિસ ફટકારીને એક અઠવાડિયાની અંદર વિસ્તૃત રિપોર્ટ માગ્યો છે.

NHRC અનુસાર બેઘર લોકોની વચ્ચે કામ કરનાર અને બિન સરકારી સંગઠન સેન્ટર ફોર હોલિસ્ટિક ડેવલપમેન્ટના એક રિપોર્ટ અનુસાર દિલ્હીમાં આ શિયાળામાં ૫૬ દિવસની અંદર લગભગ ૪૭૪ લોકોએ જીવ ગુમાવ્યા. ગરમ વસ્ત્રો, ધાબળા અને પૂરતો આશ્રય જેવી જરૂરી સુરક્ષાત્મક ઉપાયોની ગેરહાજરીના કારણે આ મોત ગયા વર્ષે ૧૫ ડિસેમ્બરથી આ વર્ષે ૧૦ જાન્યુઆરીની વચ્ચે થયા છે.
આયોગે જાહેર કરેલા નિવેદનમાં કહ્યું કે, રાષ્ટ્રીય રાજધાનીમાં ઘણા આશ્રય ગૃહ સમુચિત માંગને પૂરી કરવામાં અસમર્થ છે અને જે ઉપલબ્ધ છે, તેમાંથી મોટાભાગમાં જરૂરી સુવિધાઓનો અભાવ છે. જેનાથી વ્યક્તિ કડકડતી ઠંડીમાં રહેવા મજબૂર થઈ જાય છે. રસ્તા પર રહેતાં લોકો વિશે એ પણ વાત સામે આવી છે કે તે યોગ્ય મેડીકલ સારવાર અને સારસંભાળના અભાવમાં શ્વસન સંક્રમણ, ત્વચા સંબંધિત બીમારીઓ અને બગડતા માનસિક આરોગ્ય સહિત ઘણા આરોગ્ય પડકારોનો સામનો કરી રહ્યા છે.

શિયાળામાં સૌથી વધુ મોત રેલવે સ્ટેશન પરિસરોમાં નોંધવામાં આવ્યા હતા. જેમાં આનંદ વિહાર, શાકભાજી બજાર, હજરત નિઝામુદ્દીન, સરાય રોહિલા, દિલ્હી કેન્ટ સહિત અન્ય સ્ટેશન છે, જ્યાં ૧૦૦ મોત નોંધાયા હતા. તે બાદ વધુ મોત ઉત્તર દિલ્હી જિલ્લામાં નોંધાયા. શાકભાજી બજાર, કાશ્મીરી ગેટ, કોતવાલી, લાહોરી ગેટ, સિવિલ લાઇન્સ, બાડા હિન્દુરાવ, સદર બજાર, તિમારપુર, સરાય રોહિલા, વજીરાબાદ, ગુલાબી બાગ સહિત અન્ય સ્થળોમાં નવેમ્બરથી અત્યાર સુધી ૮૩ મોત થયા હતા.
મધ્ય દિલ્હીના દરિયાગંજ, પહાડગંજ, નબી કરીમ, જામા મસ્જિદ, હૌજ કાજી, રાજેન્દ્ર નગર, પટેલ નગર, કમલા માર્કેટ, કરોલબાગ સહિત અન્ય વિસ્તારોમાં ૫૪ બેઘરોના મોત શિયાળામાં નોંધાયા. સીએચડીના કાર્યકારી ડાયરેક્ટર સુનીલ અલેડિયાના જણાવ્યા અનુસાર બેઘરોના મોતના આ આંકડા દિલ્હી પોલીસ નેટવર્ક દ્વારા સંકલિત છે.