Last Updated on by Sampurna Samachar
માત્ર બે વર્ષમાં જ આ માર્ગનું અસ્તિત્વ ગુમ થઈ ગયું
હિમાચલ પ્રદેશમાં કુદરતી આફતોથી ભારે નુકશાન
(સંપૂર્ણ સમાચાર સેવા)
હિમાચલ પ્રદેશમાં કુદરતી આફતોએ ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણની મુશ્કેલી વધારી દીધી છે. ભારે વરસાદ અને ભૂસ્ખલનના કારણે કીરતપુર-મનાલી ફોરલેન માર્ગનો પાંડોહથી મનાલી સુધીનો વિસ્તાર સંપૂર્ણપણે ધોવાઈ ગયો છે. માત્ર બે વર્ષમાં જ આ માર્ગનું અસ્તિત્વ ગુમ થઈ ગયું છે અને હવે તેનું નવેસરથી નિર્માણ કરવું પડશે.

વરસાદ અને ભૂસ્ખલનના કારણે NHAI ને અત્યાર સુધીમાં ૧૦૦૦ કરોડ રૂપિયાથી પણ વધુનું નુકસાન થયું છે, જે ૨૦૨૩ની આપત્તિની તુલનામાં ચાર ગણું વધારે છે. મોડી રાત્રે બિયાસ નદીમાં પૂર આવ્યું છે, જેના લીધે કુલ્લુથી મનાલી સુધીનો માર્ગ વચ્ચે છ સ્થળો ગંભીર રીતે નુકસાન પામ્યા છે. આ નુકસાન એટલું ગંભીર છે કે, ત્યાં સુધી મશીનરી પહોંચાડવી પણ મુશ્કેલ બની ગઈ છે.
માર્ગનું કામ ઝડપથી આગળ વધી શકે
બિંદુ ઢાંક ખાતેના માર્ગનું નામોનિશાન રહ્યું નથી. આ ઉપરાંત રાયસન, મનાલીમાં લક્ઝરી બસ સ્ટેન્ડ અને ડોહલૂ ટોલ બેરિયર પાસે પણ રોડનો મોટો ભાગ પાણીમાં તણાઈ ગયો છે. આ તમામ સ્થળોએ તાત્કાલીક કામ કરવા માટે મશીનો પહોંચાડવાના પ્રયાસો ચાલી રહ્યા છે.
માર્ગ ફરી શરુ કરવા માટે એનએચએઆઇએ તાત્કાલિક ૨૦ મશીનો કામે લગાવ્યા છે. ઝલોગીમાં માર્ગનો એક મોટો ભાગ જમીનમાં ધસી ગયો છે, જ્યારે દવાડામાં બિયાસ નદીના પાણી માર્ગ પર ફરી વળતા ભારે નુકસાન થયું છે. આ સ્થળોએ મશીનોની મદદથી મોટા પહાડો તોડવામાં આવી રહી છે, જેથી માર્ગનું કામ ઝડપથી આગળ વધી શકે.
જો હવામાન સાનુકૂળ રહેશે, તો પછી સુધીમાં માર્ગ બની જવાની આશા છે. છેલ્લા બે દિવસથી પાંડોહથી ઔટ વચ્ચે સેંકડો વાહનો અને લોકો ફસાયેલા છે. પાંડોહ-ટકોલી સેક્શનમાં પણ માર્ગની મરામત માટે ૩૦થી વધુ મશીનો કાર્યરત છે. એનએચએઆઇના વરિષ્ઠ અધિકારીઓ અને ઇજનેરો સ્થળ પર હાજર રહીને કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે. NHAI મંડીના પ્રોજેક્ટ ડાયરેક્ટર વરુણ ચારીના જણાવ્યા અનુસાર, માર્ગો ફરી શરુ કરવા માટે યુદ્ધના ધોરણે કામગીરી શરુ કરી દેવાઈ છે. ભારે વરસાદ, પૂર અને ભૂસ્ખલનને કારણે આ વખતે નુકસાન ઘણું વધારે થયું છે.