Last Updated on by Sampurna Samachar
ક્રિકેટરને મોં પર બોલ વાગતાં લોહી નીકળ્યું
(સંપૂર્ણ સમાચાર સેવા)
ન્યૂઝીલેન્ડ માટે રમતો ભારતીય મૂળનો ઓલરાઉન્ડર રચિન રવિન્દ્ર પાકિસ્તાન સામેની વનડે મેચ દરમિયાન ઘાયલ થયો હતો. બાઉન્ડ્રી પર ફિલ્ડિંગ કરી રહેલા રચિનના મોઢા પર ખુશદીલનો બોલ મોઢા પર વાગ્યો હતો. જેના કારણે તેને લોહી પણ નીકળવા લાગ્યું હતું. આ જોઈને તાત્કાલિક સપોર્ટ સ્ટાફ મેદાન પર આવ્યો હતો અને રચિન રવિન્દ્રને મેદાનની બહાર લઈ જવો પડ્યો હતો.
પાકિસ્તાનની બેટિંગ દરમિયાન ૩૭.૨ ઓવરમાં બ્રેકવેલની બોલિંગમાં ખુશદિલે મારેલો શોટ સીધો રચિનના કપાળના ભાગે વાગ્યો હતો. બોલ વાગતા જ રચિન મેદાનમાં બેસી પડ્યો હતો અને પછી તેને લોહી નીકળવાનું પણ શરુ થયું હતું. બ્રાકવેલની ઓવરના બીજા બોલ પર ખુશદીલે સ્વીપ શોટ માર્યો હતો અને તે સીધો રચિનના મોઢા પર વાગ્યો હતો, હવે આ બોલ વાગવાનું કારણ સામે રહેલી લાઈટથી ડિસ્ટ્રેક્શન થયું હોવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે.
પાકિસ્તાન અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ટ્રાઈ સીરિઝની પહેલી વનડે મેચ રમાઈ હતી. આ મેચમાં ન્યૂઝીલેન્ડે શાનદાર જીત મેળવી હતી. ન્યૂઝીલેન્ડે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો ર્નિણય લીધો, જે તેમના માટે ફાયદાકારક સાબિત થયો. ન્યૂઝીલેન્ડે પહેલા બેટિંગ કરતા ૩૩૧ રનનો ટાર્ગેટે યજમાન ટીમ પાકિસ્તાન સામે મૂક્યો હતો. જેનો પીછો કરતા પાકિસ્તાનની ટીમ ૨૫૨ રન પર જ ઓલઆઉટ થઈ ગઈ હતી. આ રીતે ન્યૂઝીલેન્ડે પોઈન્ટ ટેબલમાં ૨ પોઈન્ટ્સ મેળવી લીધા છે.
આ મેચમાં ઓપનર વિલ યંગ સસ્તામાં આઉટ થયા બાદ રચિન રવિન્દ્ર ૨૫, કેન વિલિયમ્સન ૫૮ રન બનાવી આઉટ થયા હતા. ત્યારે ન્યૂઝીલેન્ડનો સ્કોર ૪ વિકેટ પર ૧૩૫ હતો. ન્યૂઝીલેન્ડ તરફથી ડેરિલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સની જોડીએ સારા રન બનાવ્યા હતા જેમાં મિચેલે શાનદાર ૮૧ રનની ઈનિંગ્સ રમી હતી. જ્યારે ફિલિપ્સે સદી ફટકારી હતી.
ફિલિપ્સની સદીના દમ પર ન્યૂઝીલેન્ડ ૩૦૦ થી વધુ રન બનાવવામાં સફળ રહ્યું હતું. ગ્લેન ફિલિપ્સ આ મેચમાં નોટઆઉટ રહ્યો હતો. પાકિસ્તાન સામે ન્યૂઝીલેન્ડે ૩૩૧ રનનો વિશાળ ટાર્ગેટ મૂક્યો હતો.
પાકિસ્તાન માટે શાનદાર બેટિંગ કરતા ફખર જમાને ૮૪ રન બનાવી આઉટ થયો હતો. તેણે પોતાની ઈનિંગ્સમાં ૭ ચોગ્ગા અને ૪ છગ્ગા ફટકાર્યા હતા. પાકિસ્તાનના બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન નિષ્ફળ રહ્યા હતા. રિઝવાને ૩ અને બાબર આઝમે માત્ર ૧૦ રન બનાવ્યા હતા.
આ ઉપરાંત સલમાન આઘાએ ૪૦ રનની સારી ઈનિંગ્સ રમી હતી. પાકિસ્તાનની ટીમ ૪૭.૫ ઓવરમાં ૨૫૨ રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડ માટે મિચેલ સેન્ટનર અને મેટ હેનરીએ ૩-૩ વિકેટ લીધી હતી.